જામનગર તાલુકાના બેડ ગામના પાટીયા પાસેથી પસાર થતી સ્વીફટ કારને સીક્કા પોલીસે આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.35000 ની કિંમતની 70 બોટલ મળી આવતા પોલીસે બનાસકાંઠાના બે બુટલેગરોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જામનગરના નવાગામ ઘેડમાં મધુવન સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન 24 બોટલ દારૂ સાથે શખ્સની ધરપકડ કરી હતી. ધ્રોલ ગામમાંથી પોલીસે મજૂરી કામ કરતા શખ્સને 23 નંગ દારૂના ચપટા સાથે ઝડપી લીધો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના બેડ ગામના પાટીયા પાસેથી પસાર થતી જીજે-04-સીજી-2564 નંબરની સ્વીફટ કારને સીકકા પોલીસે આંતરીને તલાસી લેતા કારમાંથી રૂા.35000 ની કિંમતની દારૂની 70 બોટલો અને રૂા.2000 ની કિંમતના 3 નંગ મોબાઇલ મળી આવતા પોલીસે ચુનીલાલ મોહનજી પરમાર, રમેશ શંકર સોલંકી નામના બે બનાસકાંઠા જિલ્લાના રાટીલા અને બેવટા ગામના બે શખ્સોને ઝડપી લઇ ચાર લાખની કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.4,37,000 ના મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં દારૂના જથ્થામાં બનાસકાંઠા જિલ્લાના લાવાણા ગામના કાળુસિંહ કાનજી વાઘેલાની સંડોવણી ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાળુસિંહની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં નવાગામ ઘેડ મધુવન સોસાયટી બે માં શેરી નં. એકમાં રહેતો અને રીક્ષા ચલાવતા શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે હનુમાનગેઈટ પોલીસ ચોકીના સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.12000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 24 બોટલો મળી આવતા પોલીસે વિવેક જયરાજ ચૌહાણ નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જામનગરના કોળીવાસમાં રહેતાં જેકી કોળી દ્વારા સપ્લાય કરાયાની કેફીયત આપતા હેકો જે.બી. સોચા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ત્રીજો દરોડો ધ્રોલ ગામમાં નુરી સ્કુલ પાસેથી પસાર થતા જાવીદ અસરફ રફાઈ નામના શ્રમિક શખ્સને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2300 ની કિંમતની 23 બોટલ ઈંગ્લીશ દારૂના ચપટા મળી આવતા પોલીસે જાવીદની અટકાયત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર તાલુકાના સીક્કા ગામમાંથી પસાર થતા ધર્મેન્દ્ર રામજી નગરીયા નામના શખ્સને સ્થાનિક પોલીસે તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર ગામમાંથી પસાર થતા નાથા બોઘા મોરી નામના શખ્સને હેકો આર.એચ.કરમુર તથા સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.