દેશના 13 શહેરોને આ વર્ષના અંત સુધીમાં 5જી નેટવર્કની સુવિધા મળી જાય એવી શક્યતા છે. દિલ્હી, મુંબઈ, કોલકાત્તા, ચેન્નાઈ, અમદાવાદ, ગાંધીનગર, જામનગર, ગુરૂગ્રામ, ચંદિગઢ, બેંગ્લુરૂ, હૈદરાબાદ, પૂણે, લખનઉ જેવા શહેરોમાં 5જીની સવસ શરૂ કરવાનો સંકેત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે આપ્યો હતો. આ 13 શહેરોમાં ટ્રાયલ શરૂ કર્યા પછી તેના ફિડબેકના આધારે 5જીનો વિસ્તાર કરાશે. ટેલિકોમ મંત્રી અશ્ર્વિન વૈષ્ણવે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે 5જી નેટવર્કનો વ્યાપ ભારતના 20-25 શહેરો સુધી પહોંચે એ માટેના પ્રયાસો હાથ ધરાશે. શરૂઆતમાં 13 શહેરોમાં ટ્રાયલ થાય એવી શક્યતા છે અને તેના થોડા મહિનાઓમાં જ બીજા દસેક શહેરોને 5જી નેટવર્ક હેઠળ આવરી લેવાશે.
5જીના મન્થલી પ્લાન અંગે અત્યારે સરકારે સ્પષ્ટતા કરી નથી. પરંતુ અત્યારના 4જીના પ્લાનના આધારે નિષ્ણાતોએ ધારણાં બાંધી હતી કે સરેરાશ 5જી યુઝર્સે મહિને 1000 રૂપિયા આપવા પડશે. રૂરલ એરિયાના ગ્રાહકો આટલો ઊંચો ભાવ આપવા તૈયાર થશે કે નહીં એ જુદો મુદ્દો બનશે. અત્યારે મોટાભાગની કંપનીઓનો 4જીનો 84 દિવસનો પ્લાન 500થી 600 રૂપિયા આસપાસ છે. મહિને લગભગ 200 રૂપિયા જેટલો ખર્ચ 4જી સર્વિસ પાછળ થાય છે. 5જીની સ્પીડ માટે તેનાથી ચાર કે પાંચ ગણો ખર્ચ કરવો પડશે. શરૂઆતના એકાદ-દોઢ વર્ષ પછી 5જીના ભાવમાં ઘટાડો થશે એવી પણ એક થિયરી છે. ઓપરેટર્સ વચ્ચે સ્પર્ધા થશે પછી ભાવ ગગડશે, છતાં 4જી ડબલ ભાવ આપવા પડે એવી શક્યતા તો છે જ. ટ્રાયલ માટે કદાચ કંપનીઓ ભાવ ઓછો રાખે એવી પણ એક શક્યતા છે.
ભારત 5જી સવસની બાબતમાં 61 દેશોથી પાછળ છે. વિશ્ર્વના 61 દેશોના 1336 શહેરોમાં 5જીની રેન્જમાં આવી ચૂક્યા છે. 2020માં દુનિયાના 378 શહેરોમાં 5જીની સવસ ઉપલબ્ધ બની હતી. 2021માં 350 ટકાના વધારા સાથે 958 શહેરો એમાં ઉમેરાયા હતા. અમેરિકાના 349 શહેરોમાં 5જી સ્પીડ મળી ચૂકી છે. આફ્રિકા, યુરોપ અને મિડલ ઈસ્ટના 459 શહેરો આ ટેકનોલોજીથી સજ્જ બની ચૂક્યા છે. એશિયન શહેરોની સંખ્યા સૌથી વધુ 528 છે. એમાંથી એકલા ચીનના જ 341 શહેરોનો સમાવેશ થાય છે. આટલા શહેરો સાથે ચીન વિશ્વમાં પ્રથમ ક્રમે છે. 279 શહેરો સાથે અમેરિકા બીજા અને 85 શહેરો સાથે દક્ષિણ કોરિયા ત્રીજા નંબરે છે. દક્ષિણ કોરિયાએ સૌથી પહેલા લાર્જ સ્કેલ ઉપર 5જીની સવસ શરૂ કરીને દુનિયાને નવી દિશા આપી હતી.
ફાઈવ-જી એટલે કે ફિફ્થ જનરેશનની ડેટા સ્પીડને સત્તાવાર માન્યતા આપનારો પહેલો દેશ અમેરિકા હતો. 2016માં જ અમેરિકાના ફેડરલ કોમ્યુનિકેશન કમિશને સ્પેક્ટ્રમની ફાળવણીને મંજૂરી આપી હતી.2018માં યુરોપિયન સંઘે 5જી માટે દરવાજા ખોલ્યા હતા. એ પછી દુનિયાભરમાં તેના પ્રયોગો શરૂ થયા હતા. ભારત સહિતના 90 દેશોની 225 ટેલિકોમ કંપનીઓએ 5જીની સવસનું ડેમોન્સ્ટ્રેશન કરી લીધું છે, પરિણામે 2025 સુધીમાં વિશ્ર્વની 70 ટકા વસતિ 5જી નેટવર્કના દાયરામાં આવી જશે એવો અંદાજ છે. 21મી સદીના ત્રીજો દશકો ઈન્ટરનેટની સ્પીડનો દશકો બની રહેશે એ નક્કી છે.