જામનગર શહેર જિલ્લા ફરતે કોરોનાનો અજગરી ભરડો સ્થિતિ કાબૂ બહાર જઇ રહી છે. જામનગરમાં કોરોના મહામારીનું સંક્રમણ અનેક ગણી ઝડપે વધી રહ્યું છે. પોઝિટીવ દર્દીઓની સંખ્યા 500 ને પાર પહોંચી ગયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 307 અને ગ્રામ્યના 202 કેસ મળી 509 કેસ નોંધાયા છે તો 261 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં 02 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કોવિડ હોસ્પિટલના બિનસતાવાર મોતનો આંકડો 90 નો રહ્યો છે.
જામનગર જિલ્લામાં કોરોના પોઝિટીવનો આંક 500 ને પાર થઈ ગયો છે. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ ફુલ થઇ ચૂક્યા છે. જી.જી.હોસ્પિટલમાં દરરોજ એમ્બ્યુલન્સની લાઇનો લાગી હોય છે અને એમ્બ્યુલન્સમાં દર્દીની સારવાર આપવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ વણસતી જઇ રહી છે. જામનગર શહેરમાં 307 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 131 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 202 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 130 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ જામનગર ગ્રામ્યમાં કોરોનાથી બે દર્દીઓના મોત થયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 298046 સેમ્પલ અને જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 233891 સેમ્પલનું પરીક્ષણ થયું છે. એક જ દિવસમાં 509 દર્દીઓ નોંધાયા હોય જામનગરમાં કોરોના વિકરાળ બનતો જઇ રહ્યો છે. કોવિડ હોસ્પિટલ પોઝિટીવ દર્દીથી ઉભરાઇ રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગરમાં 90 દર્દીઓના મોત થી અરેરાટી ફેલાઈ ગઇ છે. જિલ્લામાં દરરોજ થતા મૃત્યુથી લોકોમાં ભય ફેલાઈ ગયો છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લાં એક માસથી કોરોના સંક્રમણ વધતું જાય છે અને પોઝિટિવ કેસોની સંખ્યાની સાથે સાથે મૃત્યુદર પણ વધતો જાય છે. પ્રથમ લહેર કરતા કોરોનાની આ બીજી લહેર ઝડપી અને ઘાતક બની ગઈ છે જેને અટકાવવા માટે વિશ્ર્વનો એક પણ દેશ સફળ રહ્યો નથી. રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 12553 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે 115 દર્દીઓના મોત નિપજ્યા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 4821 અને સુરતમાં 1849 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 24 કલાક દરમિયાન સૌથી વધુ મૃત્યુ સુરત કોર્પોરેશનમાં 25, અમદાવાદ કોર્પોરેશન 22, વડોદરા કોર્પોરેશન 7 અને રાજકોટ કોર્પોરેશન 8 મોત નિપજ્યા છે. જ્યારે મહેસાણામાં 3, સુરતમાં 4, વડોદરામાં 5, જામનગર કોર્પોરેશનમાં 4 અને જામનગરમાં 4, બનાસકાંઠા-ભરૂચમાં 3-3, ભાવનગર કોર્પોરેશન 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, પાટણમાં 2, રાજકોટમાં 4, ખેડા-1, સાબરકાંઠા-ભાવનગર 3-3, ગાંધીનગરમાં 2, જૂનાગઢમાં 1, અમદાવાદ-વલસાડ-અરવલ્લી-પોરબંદર-ડાંગ-છોટાઉદેપુરમાં 1-1 મોત નિપજયા છે.