સાઉદી અરેબિયામાં મક્કાથી મદીના જઈ રહેલી ભારતીય યાત્રાળુઓની એક બસનું ડીઝલ ટેન્કર સાથે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ બસમાં ભીષણ આગ ફાટી નીકળતાં બેતાલીસ ભારતીય નાગરિકોના મૃત્યુ થયાની આશંકા છે. મોટાભાગના યાત્રાળુઓ હૈદરાબાદના હોવાનું જાણવા મળ્યું છે. તેલંગાણા સરકાર અને રિયાધમાં આવેલ ભારતીય દૂતાવાસ સંકલન કરી રહ્યા છે.
સાઉદી અરેબિયામાં સોમવારે વહેલી સવારે ભારતીય યાત્રાળુઓ માટે એક અત્યંત દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. પ્રારંભિક અહેવાલો મુજબ, ઉમરાહની યાત્રા માટે ગયેલા ભારતીય નાગરિકોની એક બસ પવિત્ર શહેર મક્કાથી મદીના તરફ જઈ રહી હતી.
ભારતીય સમય મુજબ, વહેલી સવારે લગભગ દોઢ વાગ્યે, મદીના નજીક મુફરિહાત વિસ્તારમાં આ બસ એક ડીઝલ ટેન્કર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અથડામણ થતાં જ બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. મોટાભાગના યાત્રાળુઓ ઊંઘમાં હોવાથી તેઓને બચવાની તક મળી ન હતી અને વાહન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું.
View this post on Instagram
આ દુર્ઘટનામાં બસમાં સવાર બેતાલીસ ભારતીય યાત્રાળુઓના મૃત્યુ થયાની પ્રબળ આશંકા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મોટાભાગના પીડિતો તેલંગાણાના હૈદરાબાદ શહેરના વતની હોવાનું માનવામાં આવે છે. આ અકસ્માતમાં માત્ર એક જ વ્યક્તિનો બચાવ થયો હોવાના સમાચાર છે, જેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ તેલંગાણાના મુખ્યમંત્રીએ રિયાધમાં સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા અધિકારીઓને સૂચના આપી છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે વાત કરી છે અને યાત્રાળુઓની વિગતો શેર કરી છે. ભારતીય દૂતાવાસ સાઉદી અધિકારીઓ સાથે મળીને પીડિતોની ઓળખ કરવા અને રાહત કામગીરી માટે સંકલન કરી રહ્યું છે.


