Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના પિતા-પુત્ર સહિત 4 વ્યક્તિના ડૂબી જવાથી મોત

જામનગરના પિતા-પુત્ર સહિત 4 વ્યક્તિના ડૂબી જવાથી મોત

રણજીતસાગર ડેમમાં પુત્રને બચાવવા જતાં પિતાનું પણ મૃત્યુ : ગુલાબનગરમાં પાણીમાં ડુબી જવાથી તરૂણનું મોત: ધુંવાવ હાઉસીંગ બોર્ડમાં ખાડામાં પડી જતાં બાળકીનું ડુબી જતા મૃત્યુ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે તેમજ જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે છેલ્લાં 24 કલાક દરમિયાન રણજીતસાગર ડેમમાં પુત્રને બચાવવા જતા પિતાનું પણ ડૂબી જતા મોત નિપજ્યું હતું. ગુલાબનગરમાં બે તરૂણ પાણીમાં તણાયા હતાં. જે પૈકીના એક તરૂણનું મોત નિપજ્યું હતું. જામનગરના ધુંવાવ હાઉસીંગ બોર્ડમાં ડૂબી જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળની બાજુમાં આસિફભાઈ બચુભાઈ ગાગદાણી અને તેનો પુત્ર નવાઝ ગાગદાણી બંને ગુરૂવારે રણજીતસાગર ડેમે ગયા હતાં અને સાંજના સમયે નવાઝ આસિફ ગાગદાણી (ઉ.વ.13) નામનો તરૂણ પુત્ર ડેમના પાણીમાં પડી જતાં પિતા આસિફ બચુ ગાગદાણી (ઉ.વ.37) નામના યુવાન પિતાએ તેના પુત્રને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું અને પુત્રને બચાવવાનો પ્રયાસ કરવા જતાં પિતા-પુત્ર બંને પાણીમાં ડુબી ગયા હતાં આ અંગેની જાણ કરાતા ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયરની ટીમ દ્વારા પિતા-પુત્રની શોધખોળ હાથ ધરાતા બંનેના મૃતદેહો પાણીમાંથી મળી આવ્યા હતાં. જેથી હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે પિતા-પુત્રના મૃતદેહનો કબ્જો સંભાળી ફારુકભાઈ ગાગદાણીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા અખાડા ચોક નજીક શુક્રવારે બે તરૂણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતાં. જેમાંથી એક તરૂણને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે યશ વિજયભાઈ પરમાર (ઉ.વ.11) નામના તરૂણનું પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો બનાવ, જામનગર શહેરના ધુંવાવ હાઉસીંગ બોર્ડના મકાનમાં શુક્રવારે પડેલા ભારે વરસાદના કારણે પાણી ભરાઇ ગયા હતાં અને આ પાણીમાંથી બહાર કાઢતા સમયે નેહા ગોદરીયા નામની ત્રણ વર્ષની બાળકીનું ખાડામાં પડી જતાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. આમ શુક્રવારે જામનગર શહેર અને જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે નવા નીરની આવક થઈ હતી અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની હતી. જેમાં જુદા જુદા સ્થળે ચાર વ્યક્તિઓના પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular