જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં જાહેરમાં કાટછાપનો જૂગાર રમતા આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12,401 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના સાપર ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત મહિલા સહિત નવ શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.5,940 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.97,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે બે શખ્સો નાશી ગયા હતાં. જામનગરના મોરકંડા રોડ પર આવેલા રાજ સોસાયટીમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.2700 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના સીક્કા ગામમાંથી જૂગાર રમતા છ શખ્સોને રૂા.3,090 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિ રમતા બે શખ્સોને રૂા.1,110 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના નવાગામ ઘેડમાં કાંતિભાઈના ભંગારના વાડા નજીક રૂપિયાનો સીક્કો ઉછાળી કાટછાપનો જૂગાર રમતા રવિ ઉર્ફે ડાગલો મગન ચૌહાણ, પ્રકાશગીરી જયંતીગીરી ગોસ્વામી, સુખદેવસિંહ રઘુવીરસિંહ જાડેજા, વિજય કિશોર વાઘેલા, દિપક દેવજી ચાવડા, રમેશ મગન મકવાણા, વિનુ પ્રાગજી મકવાણા અને યોગેશ કિશોર પરમાર નામના આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12401 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર જિલ્લાના સાપર ગામના શંકરટેકરી વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા સતાર હાજી સાટી, નાશરી અલારખા ઓઢા અને સાત મહિલા સહિત નવ શખ્સોને રેઈડ દરમિયાન પોલીસે રૂા.5940 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામજોધપુર ગામમાં વોંકળાના કાંઠે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ગીરીશ રામજી ગોહેલ, દિલીપ ઉર્ફે ઉર્ફે દિલો રમણિક જાવિયા, કમલેશ ઓધળ જતાપરા, પરેશ લખમણ બારૈયા, સંજય બટુક મકવાણા નામના પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.4800 ની રોકડ રકમ અને ત્રણ હજારની કિંમતના ત્રણ નંગ મોબાઇલ તથા રૂા.90 હજારની કિંમતની ચાર બાઈક મળી કુલ રૂા.97,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ નાશી ગયેલા વજુ કોળી અને આનંદ ગઢવી નામના બે શખ્સોની શોધખોળ આરંભી સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરના મોરકંડા રોડ પર આવેલી રાજ સોસાયટીમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન તૈયબ હાસમ ચૌહાણ, મોઈનુદ્દીન સુલેમાન દલ, આસીફ યુસુફ ખેરાણી, જાવીદ અલીમામદ ખફી, અબાઅલી અબ્દુલરજાક હદરમી, રજાક સીદીક શેખ નામના છ શખ્સોને રૂા.2700 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. પાંચમો દરોડો, જામનગર તાલુકાના સીક્કા ગામમાં જાહેરમાં પાસાની કુકરી વડે જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન અબ્દુલ ઉર્ફે ગફાર તાલબ હુંદડા, અજીજ સુલેમાન ભટી, હસન સુલેમાન સંઘાર, લતિફ સુલેમાન હુંદડા, ફીરોજ ઓસમાણ સંઘાર, ઓસમાણ જુસબ ભટ્ટી અને અબ્દુલ આદમ ભટ્ટી નામના સાત શખ્સોને રૂા.3090 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
છઠો દરોડો, જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા નરેશ જેઠા મકવાણા અને કપિલ કારા મકવાણા નામના બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.1110 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ નાશી ગયેલા જગદીશ પરબત સોલંકી, સુરેશ મેઘજી મકવાણા અને વિશાલ સોમા મકવાણા નામના ત્રણ શખ્સોની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગર શહેર-જિલ્લામાં છ સ્થળોએ જૂગારદરોડામાં 7 મહિલા સહિત 37 શખ્સો ઝડપાયા
નવાગામ ઘેડમાંથી કાટછાપનો જૂગાર રમતા આઠ શખ્સો ઝબ્બે : સાપરમાંથી તીનપતિ રમતા સાત મહિલા સહિત નવ શખ્સો ઝડપાયા: જામજોધપુરમાંથી પાંચ શખ્સોને જૂગાર રમતા રૂા.97,800 ના મુદ્દામાલ સાથે દબોચ્યા : મોરકંડા રોડ પરના વિસ્તારમાંથી તીનપતિ રમતા છ શખ્સો રૂા.2700 ની રોકડ રકમ સાથે ઝબ્બે