આજે સવારે ચાર કલાકમાં રાજ્યના 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં મેઘમહેર થઈ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જયારે હાલારમાં વરસાદે વિરામ લીધો છે. રવિવારે જામજોધપુર અને કાલાવડમાં આભ ફાટયા જેવી સ્થિતિ નિર્માણ થયા બાદ સોમવારે વરસાદે વિરામ લીધો હતો. જો કે, દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા હળવાભારે ઝાપટાં વરસ્યા હતા. એકમાત્ર જોડિયામાં દિવસ દરમ્યાન અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. આવી જ સ્થિતિ દ્વારકા જિલ્લામાં પણ જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28મી જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાશે, જેની અસરને પગલે ગુજરાતને સારો વરસાદ મળવાની સંભાવના છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઇમરર્જન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રખાયો છે.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 196 તાલુકામાં ચોમાસાની જમાવટ થઈ છે, જેમાં સૌથી વધુ વરસાદ વડોદરા, પંચમહાલ, ભાવનગર,સુરત, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બનાસકાંઠા અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 મિમી સુધીનો વરસાદ ખાબક્યો છે. આજે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં હજુ વરસાદની ઘટ જોવા મળી રહી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં હજુ સુધી 11.29 ઈંચ સાથે મોસમનો સરેરાશ 34.14 ટકા વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી કચ્છમાં 5.00 ઈંચ સાથે 31.34 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.95 ઈંચ સાથે 28.61 ટકા, મધ્ય ગુજરાતમાં 9.56 ઈંચ સાથે 32.37 ટકા, સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે 33.21 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 20.23 ઈંચ સાથે મોસમનો 36.93 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હજી પણ રાજ્યમાં 10 ટકા વરસાદની ઘટ છે.
રાજયમાં મોસમનો 35 ટકા વરસાદ, હજુ ત્રણ દી’ ભારે
છેલ્લા 24 કલાકમાં રાજયના 196 તાલુકામાં મેઘમહેર : રપ તાલુકાઓમાં 4 થી 8 ઇંચ સુધીનો વરસાદ : હાલારમાં વરસાદનો વિરામ