અમદાવાદમાં આયોજિત પ્રમુખસ્વામી શતાબ્દિક મહોત્સવમાં 33,000 મહિલા સ્વયંસેવકોની સેવા અને સમર્પણનો વિરલ સંગમ જોવા મળી રહ્યો છે. મહિલાઓની આ સેવા અને સમર્પણની ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ તથા જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. અન્ય મહિલા અગ્રણીઓ સાથે તેમણે પણ મહિલા સ્વંય સેવકોની સેવા અને સમર્પણની ભાવનાને બિરદાવી હતી.
કન્યા કેળવણીના પ્રખર પુરસ્કર્તા પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી કરમસદ અને રાંદેસણમાં વિશાળ વિદ્યાસંકુલોની સાથે સાથે BAPS સંસ્થાના વિવિધ સત્સંગ કેન્દ્રો ખાતે યોજાતી કારકિર્દી માર્ગદર્શન શિબિરો, વાંચન પર્વ, અભ્યાસ પર્વ, કેમ્પસ સભાઓ, સ્પોકન ઇંગ્લિશ વર્ગો, ઓડિયો-વિઝ્યુઅલ વર્કશોપ, સ્કોલરશીપ જેવી પ્રવૃત્તિઓ હજારો કિશોરીઓ-યુવતીઓની કારકિર્દી ઘડતરમાં ઉપકારક સાબિત થઈ રહી છે. પ્રતિસપ્તાહ યોજાતી હજારો મહિલા સત્સંગ સભાઓ મહિલાઓને પારિવારિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક ઉચ્ચતા તરફ આરોહણ કરાવી રહી છે. 1975થી આજપર્યંત મહિલા દિન નિમિત્તે દેશ વિદેશમાં યોજાતા સંમેલનો લાખો મહિલાઓ માટે તેઓના પ્રશ્ર્નો પ્રત્યે વિશેષ જાગૃતિ કેળવનારાં બની રહ્યા છે.
ભારતીય બેંકર, અભિનેતા, ગાયક અને સામાજિક કાર્યકર્તા અમૃતા ફડણવીસે જણાવ્યું હું ખૂબ જ ખુશ છું કે મહારાષ્ટ્રથી હું આ ઉત્સવ નગરીમાં આવી છું અને શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું તે મારું સૌભાગ્ય છે. પ્રમુખસ્વામી મહારાજે દુનિયાને પ્રેમનો સંદેશ આપ્યો છે અને આપણા બાળકો તેમણે દર્શાવેલાં મૂલ્યો અને આદર્શો પર ચાલી રહ્યા છે તે આપણા માટે ગર્વની વાત છે. પ્રમુખસ્વામી મહારાજે 7,50,000થી વધારે પત્રોના જવાબ આપીને તેમને શાંતિ અને મોક્ષ માટે માર્ગદર્શન આપ્યું છે.
યુગાન્ડાના રોકાણ અને ખાનગીકરણ-નાણા રાજ્ય મંત્રી એવલિન અનાઈટે જણાવ્યું, પ્રમુખસ્વામી મહારાજે ‘બીજાના ભલામાં આપણું ભલું’ સૂત્ર આપીને સમગ્ર માનવજાતમાં પરોપકારની ભાવના જગાવી છે. મને સૌ ભારતીયોની નમસ્તે કહેવાની રીત બહુ ગમી છે કારણ કે તેમાં સાચા અર્થમાં આદરભાવ જોવા મળે છે.
ભારતના મહિલા અને બાળ વિકાસ તથા લઘુમતી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હું મુંબઈમાં હતી ત્યારે મને દાદર મંદિર જવાનો મોકો મળ્યો હતો ત્યારે મારા પતિ અને બાળકને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ મળ્યા હતા. ગુરુના શરણમાં માતૃશક્તિનો સંગમ છે. બાલનગરીમાં બાળકો અને બાલિકાઓની શક્તિ અને સંસ્કારો જોવા મળી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજની સેવા માટે જન્મ પામવો એ પુણ્યનું કાર્ય છે. અમેરિકામાં વસતા એક ભક્તે જ્યારે તેમના પારિવારિક શાંતિ માટે ઉપાય સૂચવ્યો ત્યારે પ્રમુખસ્વામી મહારાજે પરિવાર માટે સમય આપવાની વાત કરી. આપણે આદર્શોના માર્ગમાંથી ભટકી ના જઈએ એટલે પ્રમુખસ્વામી મહારાજે સૂચવેલા પ્રાર્થના અને પુરુષાર્થનો સંગમ કરવો પડશે. આ સંપ્રદાયે રાજનીતિમાં રહેલા વ્યક્તિઓને પણ રાષ્ટ્રનીતિના માર્ગે પ્રેરિત કર્યા છે. સ્વામીએ હક્ક અને ફરજોનું સમન્વય કરવાનું શીખવ્યું. ભારતમાંથી સમગ્ર વિશ્વને સંદેશ આપવો હોય તો એ છે કે વિનમ્રતાના માર્ગે ચાલી, મહિલા હોય કે પુરુષ-બંનેએ સાથે મળીને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવાનું છે. મેં જ્યારે સુવર્ણા પ્રદર્શનમાં છેલ્લાં 6 મહિનાથી બાલિકાઓને પૂછ્યું કે તમે પરિવારથી દૂર છો છતાં કેવી રીતે ખુશ છો ? તેમણે કહ્યું કે, ‘બેન, અમે સેવામાં છીએ.’ એક નાના બાળક શંભુ માટે પ્રમુખસ્વામી મહારાજ ગામડામાં પધાર્યા અને બાળકોનો વિશ્વાસ સંપાદિત કરીને સંદેશ આપ્યો છે કે જ્યારે જ્યારે ભક્ત, ગુરુને યાદ કરે ત્યારે ત્યારે હાજર થઈ જાય છે.
કેન્યાના ડેપ્યુટી ચીફ જસ્ટિસ માન. જસ્ટિસ ફિલોમેના મ્વિલુએ જણાવ્યું મહિલા સશક્તિકરણ દિવસ ઉજવાઈ રહ્યો છે તે ખૂબ જ ગર્વની વાત છે. 80,000 સ્વયંસેવકોનું સેવા અને સમર્પણ ખૂબ જ અદ્ભુત છે અને કોઈને પણ મનાતું નથી કે આ સમગ્ર પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ હંગામી ધોરણે કરવામાં આવ્યું છે કારણકે આ પ્રમુખસ્વામી મહારાજ નગર ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે. પ્રમુખસ્વામી મહારાજે સફળતા માટે પ્રાર્થના અને પુરુષાર્થનું સૂત્ર આપ્યું છે તે મારા માટે મોટી શીખ છે. સક્ષમ નારી વગર ઘરનું નિર્માણ નથી થઈ શકતું કારણકે દરેક સફળ પુરુષ પાછળ એક નારીનો સાથ હોય છે. ‘બીજાના ભલામાં આપણું ભલું’ એ ભાવના સાથે આપણે જીવીશું તો વિશ્વભરમાં શાંતિ સ્થપાશે.
ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું 80,000થી વધારે સ્વયંસેવકો જે અહી સેવા કરી રહ્યાં છે તેમને મારા શત શત વંદન. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અંતરિક્ષમાંથી સાક્ષાત્ પ્રમુખસ્વામી મહારાજ સતત આશીર્વાદ વરસાવતા હોય તેવી અનુભૂતિ થાય છે. પ્રમુખસ્વામીમહારાજ વ્યસનમુક્તિ અભિયાન અને આદિવાસી ઉત્થાનનાં કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને અનેક લોકોના જીવન પરિવર્તન કરીને સમાજ પર મોટો ઉપકાર કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજ સમયની મર્યાદા જોવા વગર સતત હરિભક્તો ને આશીર્વાદ આપતાં રહ્યાં છે અને તેમના દુ:ખો દૂર કર્યા છે. પ્રમુખસ્વામી મહારાજે ‘ઘર સભા’ની ભેટ આપીને સમગ્ર માનવજાત પર મોટો ઉપકાર કર્યો છે અને મારા ઘરમાં પણ ઘરસભા નિયમિત થાય છે. સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન મહિલાઓ કરે છે માટે પ્રમુખસ્વામી મહારાજે મહિલા સશક્તિકરણ માટે અનેક કાર્યો કર્યાં છે. વિશ્વની અંદર ભારતીય મહિલાઓનો જોટો જડે તેમ નથી કારણકે તેઓ નિ:સ્વાર્થ ભાવે સેવા અને સમર્પણ કરે છે. ‘જનસેવા એ પ્રભુસેવા’ એ પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવના રહી છે. ‘વસુધૈવ કુટુમ્બમ’ની ભાવના આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દર્શાવવામાં આવી છે.
હિન્દુ અમેરિકા ફાઉન્ડેશન(HAF) ના એક્ઝિક્યુટિવ ડિરેકટર સુહાગ શુક્લાએ જણાવ્યું હું પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને ખૂબ જ અભિભૂત છું. પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મને તેમનું સૂત્ર યાદ આવે છે કે ‘પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ’ કારણકે આ સૂત્ર દ્વારા પ્રમુખસ્વામી મહારાજે જુદા જુદા ધર્મો વચ્ચે સંવાદિતાની ભાવના પ્રજ્વલિત કરી છે. પ્રમુખસ્વામી મહારાજે એકતા , આદરભાવ અને સત્યના પાઠ શીખવ્યા છે.’નમસ્તે એક શબ્દ નથી પરંતુ સાધના છે જે આપણને અંદરથી શુદ્ધ કરે છે.’ જો આપણે દરેકમાં ભગવાનના દર્શન કરીશું તો નાતજાત અને ઊંચનીચના ભેદભાવથી ઉપર આવી જઈશું.
ઇન્ડિયન એસોસિએશન ઓફ એમ્યુઝમેન્ટ પાર્કસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (IAAPI) સાથે અમદાવાદમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી જન્મોત્સવના ભાગરૂપે એક દિવસીય ‘લીડરશીપ સિમ્પોઝિયમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનું નેતૃત્વ અનેક અગ્રણી વક્તાઓની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમ કે શ્રીકાંત ગોએન્કા, (ડિરેક્ટર, ઈન્ડિયન એસોસિએશન ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ) વેંકટેશ મહેશ્વરી (ઉદ્યોગ સાહસિક, ગોક્યો આઉટડોર એપેરલ એન્ડ લાઈફસ્ટાઈલ પ્રાઈવેટ લિમિટેડ) અને ઉપાસના. એ. અગ્રવાલ (પ્રોફેસર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ).
શ્રીકાંત ગોએન્કા, (ડિરેક્ટર, IAAPI)એ તેમના સ્વાગત પ્રવચનમાં દિવસના કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું, સ્વામિનારાયણ સંપ્રદાય અને BAPS સ્વામિનારાયણ સંસ્થા પાસેથી નેતૃત્વ અને સંચાલનના ઘણા પાસાઓ શીખી શકાય છે.
વેંકટેશ મહેશ્વરી (ઉદ્યોગસાહસિક, ગોક્યો આઉટડોર એપેરલ એન્ડ લાઈફસ્ટાઈલ પ્રાઈવેટ લિમિટેડ)એ ’ધ માઉન્ટેન્સ આર કોલિંગ એન્ડ આઈ મસ્ટ ગો’ વિષય પર વર્ષ 2018માં માઉન્ટ એવરેસ્ટ સમિટ પર ચડતી વખતે તેમના અનુભવો, પડકારો રજૂ કરતાં જણાવ્યું, માઉન્ટ એવરેસ્ટ પર ચડવું એ મારા બાળપણની ઈચ્છા હતી. એવરેસ્ટ પર ચઢીને, હું તે હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જે માત્ર 10% પર્વતારોહકો 45 વર્ષની ઉંમર પહેલા સફળતાપૂર્વક કરી શક્યા છે. વ્યક્તિએ સમજવું જોઈએ કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી અને નિષ્ફળતાને પણ સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. વ્યક્તિએ સામર્થ્ય કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બદલાતા સંજોગો સાથે સંતુલન સાધવું એ નેતૃત્વનો અનિવાર્ય ગુણ છે.
BAPS ના વિખ્યાત મોટિવેશનલ સ્પીકર પૂ. ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું પ્રમુખસ્વામી મહારાજ નગરની સાંસ્કૃતિક ઉત્કૃષ્ટતા, જે માનવીય સમજની બહાર છે, તે 80000 સ્વયંસેવકોની સંપૂર્ણ સ્વયંસેવાનું પરિણામ છે જે વિવિધ શૈક્ષણિક બેકગ્રાઉન્ડ, પરિવારો, અને ઉછેર ધરાવે છે. આ સ્વયંસેવકો કે જેઓ ઇઅઙજ ની સૌથી મોટી શક્તિ છે તેઓ પરમ પવિત્ર પ્રમુખસ્વામી મહારાજના અનુકરણીય આધ્યાત્મિક નેતૃત્વમાંથી પ્રેરિત છે. પ્રમુખસ્વામી મહારાજના અનુકરણીય આધ્યાત્મિક નેતૃત્વની તાકાત એ બાબતથી જોઈ શકાય છે કે આ 600 એકર જમીનની માલિકી ધરાવતા લગભગ 300 ખેડૂતોએ પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યોથી પ્રેરિત થઈને આ ઉજવણીઓ માટે એક વર્ષ માટે આખી જમીન દાનમાં આપી દીધી હતી. અને રિ-એમ્બર્સમેન્ટ લેવાનો ઇનકાર કર્યો હતો. પ્રમુખસ્વામી મહારાજ નગરએ પ્રમુખસ્વામી મહારાજના આવા નિ:સ્વાર્થ નેતૃત્વને અંજલિ છે. આ સંકુલ દિવ્યતા દ્વારા સંચાલનનું એક ઉત્તમ ઉદાહરણ છે. બાળનગરી દ્વારા બાળકોને સફળતા હાંસલ કરવા માટે પ્રાર્થના અને સખત મહેનતની આવશ્યકતા, સારા સંગનું મહત્વ અને માતા-પિતા અને વડીલોનું સન્માન કરવાના પાઠ શીખી શકે છે .’
ઉપાસના એ. અગ્રવાલ (પ્રોફેસર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ) એ ’ઉચ્ચ પ્રદર્શન સંસ્થાઓના નિર્માણમાં નેતૃત્વની ભૂમિકા’ના સત્રમાં કહ્યું, મને આનંદ છે કે IIM-અ પ્રમુખસ્વામી મહારાજ નગર પર કેસ સ્ટડી કરી રહ્યું છે. અને તે અહી ઉપસ્થિત રહેવાનું એક મુખ્ય કારણ છે. એક નેતાના પ્રભાવને તેમણે લોકોના જીવનમાં કેટલી અસર કરી છે તેના દ્વારા સમજી શકાય. પ્રમુખ સ્વામી મહારાજે તેમના આધ્યાત્મિક નેતૃત્વ દ્વારા લોકોમાં સકારાત્મક પરિવર્તન કર્યું છે અને લોકોના જીવનમાં કાયમી અસર ઊભી કરી છે. અસરકારક નેતૃત્વની આવશ્યકતાઓ બૌદ્ધિક ગુણાંક (IQ), ભાવનાત્મક ગુણાંક (EQ), આધ્યાત્મિક ગુણાંક (SQ) અને ભૌતિક ગુણાંક (PQ) દ્વારા માપવામાં આવે છે. અસરકારક નેતાઓમાં ઊચ અને સહાનુભૂતિનું ઉચ્ચ સ્તર હોય છે. તેઓ આશાવાદી છતાં વાસ્તવવાદી હોય છે, તેમની અનુકૂલન-ક્ષમતા ઉચ્ચ હોય છે. તેઓ અસરકારક રીતે સંવાદ કરે છે અને સમસ્યાઓના મૌલિક સમાધાન આપી શકે છે.