ખંભાળિયાના ધમધમતા વિસ્તારમાં આવેલી એક જાણીતી હોટલના કબાટમાં રાખવામાં આવેલી રૂપિયા 3.30 લાખની રકમ ચોરી થયાનું ખુલવા પામ્યું છે.
ખંભાળિયામાં મિલન ચાર રસ્તા જેવા ટ્રાફિકથી વ્યસ્ત માર્ગ પર આવેલી ભગાભાઈની ચા ની હોટલ ખાતે ગત તારીખ 5 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધીના સમયગાળા દરમિયાન કબાટમાં રાખવામાં આવેલા વેપાર સહિતના રૂ. 3,30,000 ની રોકડ રકમ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણમાં દુકાન માલિક દિપકભાઈ ગોવિંદભાઈ જોશી (ઉ.વ. 49) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા તસ્કરો સામે આઈ.પી.સી. કલમ 380, 454 તથા 457 મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં કોઈ જાણભેદુ સંડોવાયેલા છે કે કેમ તે સહિતની બાબતે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. વી.બી. પીઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.