ગુજરાતમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પહેલાં જ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે? ભારતની રિટેલ ઓઈલ કંપનીઓના તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટ પરથી આવા સંકેતો મળી રહ્યા છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ રિટેલ કંપનીઓ આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલને જુલાઈ-સપ્ટેમ્બરમાં કુલ રૂ. 2,748.66 કરોડનું નુકસાન થયું છે. આ કંપનીઓએ સતત બીજા ત્રિમાસિકમાં નુકસાન વેઠવું પડયું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ભારત આ વર્ષની શરૂઆતથી રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ખરીદી રહ્યું હોવા છતાં ઓઈલ કંપનીઓને આ જંગી નુકસાન થયું છે. ઓઈલ રિટેલ કંપનીઓએ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં થયેલા નુકસાનના આંકડા શેરબજારમાં જાહેર કર્યા છે. આ મુજબ આઈઓસીએ 29મી ઑક્ટોબરે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક માટે રૂ. 272.35 કરોડનું ચોખ્ખુ નુકસાન નોંધાવ્યું હતું. કંપનીને નાણાકીય વર્ષ 23ના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં રૂ. 1,992.53 કરોડનું નુકસાન થયું હતું. કંપનીએ પડતર ખર્ચ કરતાં નીચા ભાવે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ વેચવાના કારણે આ નુકસાન સહન કરવું પડયું છે.
એચપીસીએલે 3જી નવેમ્બરે નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા હતા. કંપનીની જાહેરાત મુજબ જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં તેને 2,172.14 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કંપનીને એપ્રિલ-જૂનના ત્રિમાસિકમાં તેના અત્યાર સુધીના સૌથી વધુ રૂ. 10,196.94 કરોડના ત્રિમાસિક નુકસાન થયું હતું. આ સિવાય જાહેર ક્ષેત્રની ત્રીજી મોટી પેટ્રોલિયમ કંપની બીપીસીએલનું નુકસાન જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રૂ. 304.17 કરોડ રહ્યું. કંપનીએ અગાઉના એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં રૂ. 6,263.05 કરોડનું નુકસાન નોંધાવ્યું હતું.
દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ સ્થિર રહ્યા હોવાથી રીટેલ ઓઈલ કંપનીઓને આ જંગી નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. ત્રણેય ઓઈલ રિટેલ કંપનીઓએ લગભગ સાત મહિનાથથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યા નથી જ્યારે કંપનીઓના પડતર ખર્ચ મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક સુધારો થઈ રહ્યો છે. કંપનીઓને છેલ્લા બે વર્ષમાં પડતર ખર્ચથી નીચા દરે એલપીજી વેચવા બદલ થઈ રહેલા નુકસાનની ભરપાઈ માટે સરકાર તરફથી 22,000 કરોડ રૂપિયાની સબસિડી અપાઈ હતી, પરંતુ તે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાથી થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં નિષ્ફળ રહી છે. આઈઓસીને છેલ્લા ત્રિમાસિકના અંતમાં એલપીજી સબસિડીના રૂપમાં રૂ. 10,800 કરોડ મળ્યા જ્યારે એચપીસીએલને રૂ. 5,617 કરોડ અને બીપીસીએલને રૂ. 5,582 કરોડ મળ્યા હતા.