જામનગરમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ પાંચ બેઠકો ઉપર સુરક્ષા જવાનોનું મતદાન યોજાયું હતું. જેમાં નોંધાયેલ 3099 મતદારોમાંથી 2480 જવાનોએ મતદાન કરતાં 80 ટકા સુધી મતદાન નોંધાયું હતું.
આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે બંદોબસ્તમાં રહેનાર પોલીસ, હોમગાર્ડઝ જવાનો અને જીઆરડી જવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગઇકાલે ચૂંટણી તંત્ર દ્વારા શહેરની પ્રભુલાલ સંઘરાજ શાહ સ્કૂલમાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર જિલ્લાની પાંચેય બેઠકના 959 પોલીસ કર્મચારીઓ, 1357 હોમગાર્ડઝ જવાનો અને 783 જીઆરડીના જવાનો સહિત કુલ 3099 સુરક્ષા જવાનો માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સવારે આઠ વાગ્યાથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં સવારથી જ સુરક્ષા જવાનોની મતદાન માટે લાઇનો લાગી હતી. ખાસ કરીને મહિલા સુરક્ષા કર્મચારીઓએ પણ પોતાના નાના બાળકોને સાથે રાખીને પોસ્ટલ બેલેટથી મત આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં સાંજે 5 વાગ્યા સુધીમાં નોંધાયેલા કુલ 3099 સુરક્ષા જવાનોમાંથી 2880 જવાનોએ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ હતું. આમ સુરક્ષા જવાનોનું 80 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
ગઇકાલે યોજાયેલી સુરક્ષા જવાનોની મતદાન પ્રક્રિયામાં જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ. સૌરભ પારઘી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ પણ નિરીક્ષણ કર્યુ હતું અને શાંતિપૂર્ણ રીતે સુરક્ષા જવાનો મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવી હતી.