જામનગર શહેરમાં સત્યમ્ કોલોની વિસ્તારમાં આવેલા મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ કરી 229 નંગ દારૂની બોટલો કબ્જે કરી બૂટલેગરની શોધખોળ હાથ ધરી હતી. જામનગર નજીકથી વાસ્પા રિક્ષામાં તલાશી લેતા એલસીબીએ દેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે શખ્સોને ઝડપી લીધા હતા.

દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં સત્યમ્ કોલોની વિસ્તારમાં આવેલી શિવમ્ સોસાયટી 1માં રહેતા નિલેશ વાલજી ભદ્રાના મકાનમાં ભાડે રહેતાં મોહિત સંજય જાદવાણીના ઘરમાં દારૂનો જથ્થો હોવાની એએસઆઇ યશપાલસિંહ જાડેજા, હે.કો. યુવરાજસિંહ જાડેજા, ખીમશીભાઇ ડાંગર, મહાવીરસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ડીવાયએસપી જે. એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એન. બી. ડાભી, પીએસઆઇ વી.એ. પરમાર, એએસઆઇ યશપાલસિંહ જાડેજા, હે. કો. યુવરાજસિંહ જાડેજા, ખીમશીભાઇ ડાંગર, શિવભદ્રસિંહ જાડેજા, હર્ષદભાઇ પરમાર, મહાવીરસિંહ જાડેજા, ફૈઝલભાઇ ચાવડા, પો.કો. વનરાજભાઇ ખવડ અને હોમદેવસિંહ જાડેજા, કૃષ્ણપાલસિંહ જાડેજા, હાર્દિકભાઇ ગાગિયા, જયપાલસિંહ ડોડિયા સહિતના સ્ટાફએ રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન પોલીસે તલાશી લેતાં મોહિત જાદવાણી મકાનમાંથી રૂા. 38,157ની કિંમતની 229 બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે નાશી ગયેલા મોહિતની શોધખોળ આરંભી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર નજીક ખંભાળિયા બાયપાસ પાસેથી પસાર થનારી રિક્ષામાં દારૂનો જથ્થો હોવાની અરજણભાઇ કોડિયાતર અને કિશોરભાઇ પરમારને મળેલી બાતમીના આધારે પીઆઇ વી. એમ. લગારિયા તથા ટીમ દ્વારા વોચ ગોઠવી પસાર થયેલી વાસ્પા રિક્ષા નંબર જીજે18 એએક્સ 4270ની ઝડતી લેતાં રિક્ષામાંથી રૂા. 15 હજારની કિંમતનો 75 લીટર દેશી દારૂ મળી આવતાં રૂા. 15 હજારની કિંમતનો દારૂ તથા રૂા. 1 લાખની રિક્ષા મળી કુલ રૂા. 1,15,000નો મુદ્દામાલ કબ્જે કરી રિક્ષાચાલક મેહુલ કરશનભાઇ સોઢા તથા દેવીબેન બાલુભાઇ સુમાયત નામની મહિલા સહિત બે શખ્સોને ઝડપી લઇ એલસીબીએ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.


