ખંભાળિયામાં રહેતી સગીરાને વર્ષ 2021માં શખ્સે લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચર્યાનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલની દલીલોને માન્ય રાખી આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયામાં રહેતા એક શ્રમિક પરિવારની સગીર વયની પુત્રીને અત્રે ખંભાળિયા-ભાણવડ રોડ ઉપર રહેતો નિલેશ ઉર્ફે નિકો રસિયાભાઈ મુનિયા નામનો પરપ્રાંતિય શખ્સ તા. 05-02-2021 ના રોજ રાત્રિના સમયે લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી અને બદકામ કરવાના ઇરાદાથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
આ પ્રકરણમાં પોલીસે અપહરણ તથા દુષ્કર્મ સાથે પોકસો એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી. આરોપીના કપડા સહિતની મેડિકલ તપાસણી તેમજ રાજકોટ એફએસએલનો રિપોર્ટ અને વિવિધ સર્ટિફિકેટના આધારે અહીંની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ અંગેનો કેસ અહીંની સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલી જતા અહીંના જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા આ પ્રકરણમાં 11 સાહેદોની તપાસ તેમજ ફરિયાદી, ભોગ બનનાર અને મેડિકલ ઓફિસરની જુબાની સાથે કરેલી વિવિધ દલીલોના ગ્રાહ્ય રાખી, સ્પેશિયલ પોક્સો કોર્ટના સેશન્સ જજ વી.પી. અગ્રવાલ દ્વારા આરોપી નિલેશ ઉર્ફે નિકો રસિયાભાઈ મુનિયાને તકસીરવાન ઠેરવી જુદા જુદા ગુનાઓમાં કુલ વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 17,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને વિક્ટિમ કમ્પેનસેશન સ્કીમ હેઠળ રૂા. ત્રણ લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.