લાલપુર તાલુકાની સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને કોર્ટ દ્વારા 20 વર્ષની શખત કેદ તથા રૂા. 15000નો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ આરોપીએ ભોગ બનનારને રૂા. 10,50,000 કમ્પનસેશનના ચૂકવવા પણ અદાલત દ્વારા હુકમ કરાયો છે.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાની 12 વર્ષ અને 10 માસની એક સગીરાએ ગત તા. 21-3-2020ના રોજ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેની શારીરિક તપાસ દરમિયાન તેને સવા માસનો ગર્ભ હોવાનું સામે આવતાં આ અંગે ફરિયાદી દ્વારા ભોગ બનનારને પૂછપરછ કરતાં ભોગ બનનાર સગીરાએ જણાવ્યું હતું કે, આપઘાતની ઘટનાથી સવા માસ પૂર્વે તેના મામાનો દૂરનો સાળો હરિયા નામનો શખ્સ તેની ઓરડીમાં આવી મોં ઉપર ડુચો દઇ દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ડરના કારણે ભોગ બનનાર સગીરાએ આ અંગે કોઇને જાણ કરી ન હતી અને ઝેરી દવા પી લીધી હતી.
આ અંગે સગીરાની વિગતોના આધારે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ દ્વારા દુષ્કર્મ અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી હરિયાની ધરપકડ કરી હતી. આ કેસ જામનગરની પોક્સો સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતાં અદાલતે પુરાવા તેમજ સાહેદોને ચકાસી સરકારી વકીલની દલીલો માન્ય રાખી સ્પે. કોર્ટના જજ આરતી એ. વ્યાસ દ્વારા દુષ્કર્મ અને પોકસોની કલમો હેઠળ આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની જેલની સજા અને રૂા. 15000નો દંડનો હુકમ કર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સજા તથા ભોગ બનનારને રૂા. 10,50,000 કમ્પનસેશનના ચૂકવવા પણ હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયા હતાં.