કોરોના વાયરસના વધી રહેલ સંક્રમણ વચ્ચે દેશભરમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. આ સ્થિતિમાં લખનઉના ચિનહટ વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 2 લોકોનાં મોત નીપજ્યાં છે અને 6લોકો ઘાયલ થયા છે. ઓક્સિજન રિફિલિંગ દરમિયાન સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતની જાણકારી લીધી હતી. તેમણે અકસ્માતમાં જાનહાની થવા પર શોકની લાગણી વ્યક્ત કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે દુખ વ્યક્ત કર્યું છે. સીએમ યોગીએ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી છે. સાથે જ અકસ્માતનું કારણ તપાસવાની સૂચના પણ આપી છે. ઓક્સિજન પ્લાન્ટમાં આ દુર્ઘટના રીફિલિંગ સમયે લીકેજના કારણે ઘટી. મૃતકમાં એક પ્લાન્ટનો કર્મચારી અને બીજી રીફિલિંગ માટે આવેલો વ્યક્તિ સામેલ છે. ઘટના પર ઉભેલા અનેક લોકોને ગંભીર ઈજા પણ થઈ છે.