દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટેના ભરાયેલા ફોર્મની આજરોજ વિધિવત રીતે ચકાસણી કરવામાં આવી હતી. જેમાં તમામ મળી કુલ 171 ફોર્મ અમાન્ય રહ્યા હતા. હવે 468 માન્ય ઉમેદવારો વચ્ચે આગામી તા. 15 ના રોજ હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ચકાસણીમાં આજરોજ 35 ફોર્મ અમાન્ય રહ્યા છે. જ્યારે 73 ફોર્મ માન્ય રહ્યા છે. ખંભાળિયા તાલુકા પંચાયતમાં 16 અમાન્ય, 65 માન્ય, દ્વારકા તાલુકા પંચાયતમાં 16 અમાન્ય અને 45 માન્ય, ભાણવડ તાલુકા પંચાયતમાં 18 અમાન્ય અને 58 માન્ય તથા કલ્યાણપુર તાલુકામાં 47 અમાન્ય અને 75 ફોર્મ માન્ય રહ્યા છે.
ત્યારે ખંભાળિયા નગરપાલિકામાં 17 અમાન્ય અને 97 માન્ય, રાવલ નગરપાલિકામાં 20 અમાન્ય અને 52 માન્ય ફોર્મ જ્યારે સલાયાની એક બેઠકની પેટા ચૂંટણીમાં તમામ ત્રણ ફોર્મ માન્ય રહ્યા છે. આ રદ થયેલા તમામ ફોર્મ મહદ અંશે રાજકીય પાર્ટીના ડમી ઉમેદવારના ફોર્મ અમાન્ય રહ્યા છે. ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 9 મા એક ઉમેદવારનું ફોર્મ ટેકેદારના મુદ્દે અમાન્ય રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ ચાર તાલુકા પંચાયતના કુલ 243 અને નગરપાલિકાના 149 સાથે જિલ્લા પંચાયતના 73 મળી, કુલ 468 ફોર્મ વચ્ચે 171 ફોર્મ અમાન્ય બન્યા છે. બુધવાર તા. 15 ના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિન હોય, આ દિવસે ચૂંટણી માટેના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
- Advertisement -