સુરતમાં બારમા માળે કોમન પેસેજની બારીની પાળી પર બેસી મોબાઇલ પર ગેમ રમતાં રમતાં પડી જવાથી 17 વર્ષની પુત્રીનું કરૂણ મોત થયું છે. તેની સાથે તેનો ભાઈ પણ મોબાઈલ ગેઈમ રમતો હતો પણ ભાઈ પેસેજમાં દોઢ ફૂટના પ્લેટફોર્મ પર બેઠો હતો જયારે બહેન છ ઈંચન બારીની પાળી પર બેઠી હતી તેથી સંતુલન ગુમાવીને નીચે પટકાઈ હતી.
આ ઘટનાની વિગત એવી છે કે, મૂળ રાજસ્થાનના ઝાલોરના વતની એવા કાપડના વેપારી મુકેશ પુરોહિત પરિવાર સાથે પાલ-ભાઠા રોડ પર બાગબાન સર્કલ પાસે ગ્રીનપાર્ક સોસાયટીમાં રહે છે. તેમની ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દુકાન છે. તેમને સંતાનમાં ત્રણ દીકરી અને છ વર્ષનો દીકરો છે. આ પૈકી ધોરણ 10માં ભણતી 17 વર્ષીય પુત્રી સોમવારે સાંજે ભાઈ સાથે કોમન પેસેજમાં બેસી મોબાઇલ પર ગેમ રમતી હતી. બારીની એક ઈંટની પાળી પર બેસીને રમતી 17 વર્ષની છોકરી મોબાઇલમાં ગેમ રમવામાં મશગુલ થઈ જતાં અચાનક સંતુલન ન રહેતા બારમા માળે બારીમાંથી સીધી નીચે પટકાઈ હતી. તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી ને લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડાઈ હતી પણ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.
આ ઘટના સોમવારે સાંજે બની ત્યારે પિતા દુકાને હતા જ્યારે માતા બજારમાં ખરીદી કરવા ગઈ હતી. ઈચ્છાપોર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.