જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ઉનાળાની સિઝનને ધ્યાને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ અને આઇસ્ક્રીમ, ફાલુદો સહિતની ચીજવસ્તુઓના નમુના લઇ લેબોરેટરીમાં ચેકિંગ માટે મોકલ્યા હતાં. આ ઉપરાંત કેરીના ગોડાઉનમાં કાર્બાઇડવાળી તથા સડેલી અને બગડેલી કેરી જણાતાં કુલ 17 કિલો કેરીનો સ્થળ ઉપર નાશ કરાયો હતો. તેમજ સમોસા હબમાંથી 1 કિલો નુડલ્સ અને 3 કિલો આટો અખાદ્ય જણાતાં નાશ કરાયો હતો.
કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અન્વયે જામ્યુકોની ફૂડ શાખા દ્વારા ઉનાળાની સિઝનને અનુલક્ષીને ખાદ્યપદાર્થના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કાલાવડ નાકા બહાર ફખરી ફાલુદા સેન્ટરમાંથી ગુલાબ ફાલુદો, કાલાવડ ગેઇટ રોડ અમરદીપ એજન્સીમાંથી આઇસ્ક્રીમ (મોમાઇ બ્રાન્ડ) તથા કોહિનુર ડેરીમાંથી મિક્સ દૂધ (લુઝ), લીમડાલાઇનમાં રાજલક્ષ્મી બેકર્સમાંથી ગાર્લીક બ્રેડ, પટેલ કોલોનીમાં સમોસા હબમાંથી આલુ-પ્યાઝ સમોસા, કાલાવડ ગેઇટ રોડ એ-વન આઇસ્ક્રીમમાંથી કાજુદ્રાક્ષ આઇસ્ક્રીમ, ત્રણ દરવાજા પાસે ભેરુનાથ આઇસ્ક્રીમની લસ્સીમાંથી બટર સ્કોચ આઇસ્ક્રીમ, કાલાવડનાકા રોડ ફ્રેશકુલ આઇસ્ક્રીમમાંથી ડ્રાયફ્રૂટ ફાલુદોના નમુના લઇ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતાં.
તેમજ કેરીના વિક્રેતાઓને કાર્બાઇડવાળી કેરી ના રાખવા અંગે સૂચના આપી હતી અને શાક માર્કેટ, સટ્ટાબજાર, મોચીસારનો ઢાળિયો સહિતના વિસ્તારમાં જરુરી સૂચનાઓ આપી હતી. જેમાં યુસુફ મામદ બજરીયા, જાવેદ ગજાજ, યુનુસ ગોળવાલા, ગીતા ફ્રૂટ, હારુનભાઇ સેરાવારા, બસીર સેરાવારા, હસન લસ્કરી, સલીમ મીર્ચી, યુનુસ બાજરીયા, યુસુફ એચ.એન., યુસુન ડાલુ, સકીલ હોલી સહિત 14 જગ્યાએ જરુરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત કેરીના ગોડાઉનમાં પણ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં મોચીસારના ઢાળિયા નજીક યુનુસ મામદ બાજરીયાના કેરીના ગોડાઉનમાં કાર્બાઇડવાળી કેરી જણાતાં પાંચ કિલો કેરીનો સ્થળ પર નાશ કરાયો હતો. સુભાષ માર્કેટમાં આવેલ મહમદ મેમણના કેરીના ગોડાઉનમાં સડેલી અને બગડેલી કેરી મળતાં પાંચ કિલો કેરી અને યુસુફ હુશેન લાલપરીયાના ગોડાઉનમાં સાત કિલો કેરીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
પટેલ કોલોનીમાં આવેલ સમોસા હબની ઓનલાઇન મળેલ ફરિયાદ અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના એફએસઓ દ્વારા રૂબરૂ તપાસ કરી સાફ-સફાઇ અને સ્વચ્છતાં જાળવવા પેઢીમાં હાઇજેનીક કંડીશન મેઇન્ટેન કરવી, પેસ્ટ કંટ્રોલ કરાવવો તથા રસોડામાં ચિમની નાખવા સહિતની સૂચનાઓ આપી હતી. તેમજ એક કિલો નુડલ્સ અને ત્રણ કિલો આટો અખાદ્ય જણાતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.