જામનગર પીજીવીસીએલ દ્વારા બાકી વીજબીલ વસૂલાતની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ફેબ્રુઆરી 2023 સુધીમાં 1665 જેટલા ગ્રાહકોના રૂા.2.70 કરોડ વીજબીલની રકમ ભરપાઈ ન થતા તેમના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલ બાકીદારો પૈકી 16681 ગ્રાહકો દ્વારા વીજબીલના બાકી રૂા.5.57 કરોડ ભરપાઈ કરી આપ્યા છે.
પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરી હેઠળના જામનગર જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વીજ બીલની રકમ બાકી હોય તેવા ગ્રાહકો સામે ચાલુ માસમાં જ નાણાંની વસૂલાત કરવા માટે ખૂબ જ કડકાઈ થી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંગે વીજ જોડાણો કાપવા માટે મોટી સંખ્યામાં ટીમ બનાવી મીટર તથા સર્વિસ ઉતારી લેવા માટે બંને જિલ્લામાં ખાસ ઝૂંબેશ ઉપાડવામાં આવેલ છે. જેમાં દૈનિક ધોરણે 150 થી વધુ ટીમો બાકી રકમની વસૂલાત માટે કામગીરી કરી રહી છે. જાન્યુ. 2023 અંતિત પરિસ્થિતિ મુજબ કુલ 100308 ગ્રાહકોના રૂા.43.59 કરોડ વીજબીલ પેટે ભરવાના બાકી હતાં. જે અંતર્ગત ફેબ્રુઆરી 2023 સુધીમાં કુલ બાકીદરાો પૈકી 16681 ગ્રાહકો દ્વારા વીજ બીલના બાકીના રૂા.5.57 કરોડ ભરપાઈ કરી આપેલ છે તેમજ 1665 જેટલા ગ્રાહકોના બાકી રૂા.2.70 કરોડ ભરપાઈ ન થતા તેમના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે તેમજ હવે પછીના દિવસોમાં પણ બાકી રહેલ તમામ બાકીદારોના વીજ જોડાણ કાપી નાખવાની કાર્યવાહી ચાલુ રહેશે અને ચાલુ માસમાં રકમ ભરપાઈ ન કર્યે કંપનીના પ્રવર્તમાન નિયમોનુસાર વીજ જોડાણ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
ગ્રાહકોને બીલ ભરપાઈ કરવા માટે કોઇ અગવડતા ન પડે તે માટે જાહેર રજાના દિવસોમાં પણ તમામ પેટા વિભાગીય કચેરી હેઠળના કેશ કલેકશન સેન્ટર માહે માર્ચ 2023 દરમિયાન ચાલુ રહેશે જે સુવિધાનો બહોળો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. બાકી રહેતા વીજ બીલના નાણાં તાત્કાલિક સમયમર્યાદામાં ભરપાઈ કરવા અપીલ કરવામાં આવે છે. જેથી અંધારપટ થવાથી થતી તકલીફ તથા વધારાના ભરવા પડતા ચાર્જ માંથી મુકત રહી શકાય.
પીજીવીસીએલ દ્વારા 10 આંકડાના મોબાઇલ નંબર પરથી વીજ બીલ ચૂકવણી અંગેના કોઇપણ એસએમએસ મોકલવામાં આવતા નથી તેમજ આવા છેતરામણા એમએસએસ દ્વારા માંગવામાં આવેલ કોઇપણ માહિતી કે ઓટીપી આપવા નહીં તેમજ આવી બાબતની જાણ નજીકની પીજીવીસીએલની કચેરીને કરવી. પીજીવીસીએલ દ્વારા XX-PGVCL તરફથી જ એસએમએસ મોકલવામાં આવે છે. આ સિવાયના એસએમએસને અવગણના અને ફ્રોર્ડ એસએમએસ થી સતર્ક રહેવું.
વીજ બીલના નાણાં પીજીવીસીએલ ઓફિસના કેશ કલેકશન સેન્ટર ઉપર તથા ગામડાની ઈ- ગ્રામ પંચાયતમાં ભરપાઈ કરી શકાશે. તદઉપરાંત કેશલેસ (ઓનલાઈન) ચુકવણી કરવા અંગે કંપની દ્વારા પૂરી પાડવામાં આવેલ વિવિધ માધ્યમો થી પણ ગ્રાહકો વીજ બીલની ચૂકવણી કરી શકે છે. જેમ કે ઈસીએસ, ડેબીટ / ક્રેડીટકાર્ડ કંપનીની વેબસાઇટ (WWW.PGVCL.COM)પીજીવીસીએલ પે.વિ.કચેરી ખાતેના UPI મશીન દ્વારા, કંપનીની WWW.PGVCL.COM મારફત UPI મોડથી, ઈન્સ્ટા પેમેન્ટ / ઈ વોલેટ, ગ્રાહકોની સંલગ્ન બેંકની વેબસાઈટ મારફત, એટીએમ મશીન HDFC/ICICI/BOB બેંકોના, RTGS/NEFT. દ્વારા વીજબીલની ચૂકવણી થઈ શકશે.