Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજિલ્લામાં 16069 પરીક્ષાર્થીઓએ તલાટીની પરીક્ષા આપી : જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ...

જિલ્લામાં 16069 પરીક્ષાર્થીઓએ તલાટીની પરીક્ષા આપી : જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુચારૂં આયોજન થકી શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાઇ – VIDEO

જામનગરમાં તલાટીની પરીક્ષા દરમિયાન પોલીસ દ્વારા માનવતાની મહેક

- Advertisement -

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગઇકાલે જામનગર સહિત રાજ્યભરમાં તલાટી મંત્રી સંવર્ગની ભરતી પરીક્ષા યોજાઇ હતી. જામનગર શહેર તથા તાલુકાના મળીને કુલ 70 શાળા-કોલેજોના 84 યુનિટના 794 વર્ગખંડોમાં પરીક્ષા યોજાઇ હતી. જેમાં નોંધાયેલા કુલ 23820 ઉમેદવારો પૈકી 16069 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતાં. પરીક્ષા દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાઇ તે માટે પગલાં લીધા હતાં.

- Advertisement -

તલાટી મંત્રી માટે ગઇકાલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં કુલ 70 શાળા-કોલેજોમાં 800 જેટલા વર્ગ ખંડોમાં પરીક્ષા યોજાઇ હતી. જેમાં નોંધાયેલા 23820 ઉમેદવારો પૈકી 16069 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા કેન્દ્રો ઉપર કેન્દ્ર સંચાલક, સુપરવાઇઝર, કલાર્ક, સીસીટીવી સંચાલક સહિત 1729 જેટલો સ્ટાફ ફરજ ઉપર રહ્યો હતો. તેમજ તમામ પરીક્ષા કેન્દ્રો સાથે સીસીટીવીથી સજ્જ રાખવામાં આવ્યા હતાં. તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વ હેઠળ ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, હોમગાર્ડ તથા સીઆરપી જવાન સહિતનો પોલીસ કાફલો ખડેપગે રહી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉમેદવારો શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તથા વહીવટી તંત્ર દ્વારા તકેદવારીના પગલાં લેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત પરીક્ષાર્થીઓ માટે કુલ 118 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ એકંદરે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થતાં તંત્રએ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

- Advertisement -

ગઇકાલે લેવાયેલી તલાટીની પરીક્ષા દરમિયાન યુવાઓથી માંડી ગૃહિણીઓ પણ પરીક્ષામાં સહભાગી બની હતી. આ દરમિયાન જામજોધપુરમાં એવીડી કોલેજ તથા મધર ટેરેસા સ્કૂલમાં તલાટીની પરીક્ષા દરમિયાન બે મહિલા પરીક્ષાર્થીઓ તેમના બાળકોને સાથે પરીક્ષા આપવા પહોંચી હતી. જેમાં એક મહિલા સાથે બે વર્ષનો તથા એક મહિલા સાથે 4 માસનું બાળક સાથે હતું. ત્યારે આ બન્ને મહિલા પરીક્ષાર્થીઓ શાંતિપૂર્વક રીતે પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષાના બંદોબસ્તમાં હાજર રહેલ પોલીસ કર્મચારીઓ પૈકી પોલીસ કોન્સ. પ્રશાંતભાઇ વસરા તથા મહિલા પોલીસ કોન્સ. નિમુબેન ચિત્રોડાએ પરીક્ષા દરમિયાન બન્ને બાળકોની સાર-સંભાળ રાખી પોલીસ ફરજની સાથે સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી હતી. તેમની આ કામગીરી બદલ સર્વે પરીક્ષાઓએ પણ તેમની પ્રશંસા કરી હતી અને બન્ને મહિલા પરીક્ષાઓએ પણ પોલીસ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ કર્મચારીઓની આ માનવતાંએ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતાં મહિલા પરીક્ષાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular