વડોદરામાં એક એવી ઘટના બની જેણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. એક તરફ 92 વર્ષના તપોનિષ્ઠ સંતનું સાદગીભર્યું વ્યક્તિત્વ અને બીજી તરફ હજારો બાળકોનો સંસ્કૃતમાં ગુંજારવ. બે રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ ક્ષણના સાક્ષી બન્યા. ‘ગિનિસ બુક’ માં સ્થાન પામેલી આ ઘટના માત્ર ઉજવણી નથી, પણ ભાવિ પેઢીના ઘડતરનો પાયો છે.

વડોદરાની ધરતી, ભક્તિ અને શિસ્તના અનોખા સંગમની સાક્ષી બની હતી. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા ના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ ના 92માં જન્મજયંતી મહોત્સવની ઉજવણી અત્યંત ભવ્યતા અને દિવ્યતા સાથે કરવામાં આવી હતી. આ ઐતિહાસિક અવસરે ભારતીય સનાતન સંસ્કૃતિ એ વૈશ્વિક સ્તરે ગૌરવ પ્રાપ્ત કર્યું છે. વડોદરાના આંગણે યોજાયેલા આ મહોત્સવમાં એક નવો વિશ્વવિક્રમ સ્થપાયો છે, જેની નોંધ ખુદ ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ’ દ્વારા લેવામાં આવી છે.
આ મહોત્સવની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે તેમાં ‘હિન્દુ ગ્રંથના સૌથી વિરાટ સમૂહગાન’ નો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. પ.પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી 3 થી 13 વર્ષની વયના 15,666 બાળકોએ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 શ્લોકોનો સંસ્કૃતમાં મુખપાઠ કર્યો હતો. જેમાંથી 12,723 બાળકોએ સ્થળ પર એકસાથે આ ગ્રંથનું ગાન કરી વિશ્વવિક્રમ સર્જ્યો હતો. ગ્રંથના રચયિતાની હાજરીમાં જ હજારો બાળકો દ્વારા ગ્રંથનું ગાન થાય તેવી આ વિરલ ઘટના હતી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓએ પ.પૂ. મહંત સ્વામી મહારાજને બહુમાનપત્ર અર્પણ કર્યું હતું.
સમાજસેવાના કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતી BAPS સંસ્થાએ આ પ્રસંગે બે મોટી ભેટ આપી હતી. ‘હર ઘર શિક્ષાકી જ્યોત જલે’ ના સૂત્ર સાથે આદિવાસી વિસ્તારો માટે ‘મોબાઈલ પાઠશાળા’ નો શુભારંભ મહંત સ્વામી મહારાજના હસ્તે કરવામાં આવ્યો હતો. સાથે જ બાળકો માટે સંસ્કાર સિંચન કરતી વિશિષ્ટ યુટ્યુબ ચેનલ ‘BAPS Kids’ લોન્ચ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહંત સ્વામી મહારાજ રચિત ‘ઈન્સાઈટ્સ ફ્રોમ ધ સત્સંગ દીક્ષા’ ગ્રંથનું વિમોચન પણ થયું હતું.

કાર્યક્રમના અંતે એક અલૌકિક દ્રશ્ય સર્જાયું હતું જ્યારે ઉપસ્થિત 2 લાખ જેટલા હરિભક્તોએ એકસાથે દીવડા પ્રગટાવીને સમૂહ આરતી કરી હતી. પોતાના આશીર્વચનમાં મહંત સ્વામી મહારાજે કહ્યું હતું કે, “આ સન્માન મારું નથી, પણ બાળકોની કઠોર મહેનત, સંતો અને કાર્યકર્તાઓનું છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે બીજાના ભલામાં આપણું ભલું છે.” આ મહોત્સવમાં 800 સંતો અને 14,000 સ્વયંસેવકોએ સેવા આપી હતી.


