જામનગર શહેરમાં કોરોના મહામારી અટકાવવા માટે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગ અને માસ્ક ન પહેરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં બુધવારે માસ્ક ન પહેરનારા 25 લોકો પાસેથી 26500 હજાર અને સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગના 136 કેસ નોંધી તેમાં 36,800 ના રોકડ દંડની વસૂલાત કરવામાં આવી છે.
કોરોના મહામારીનું સંક્રમણ જામનગર શહેર-જિલ્લામાં વધતુ અટકાવવા માટે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગના ભંગ અને માસ્ક ન પહેરતા લોકો વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી અંતર્ગત બુધવારે તંત્ર દ્વારા માસ્ક ન પહેરતા 25 લોકો પાસેથી રૂા.26500ના દંડની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે 136 લોકો સામે સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગ હેઠળ ગુનો નોંધી 36800 ની વસૂલાત કરવામાં આવી હતી. આમ બુધવારે કુલ 161 ગુના નોંધી 63600 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
જ્યારે ગત 22 માર્ચથી શરૂ કરેલી આ દંડાત્મક કાર્યવાહી અંતર્ગત 14 એપ્રિલ સુધીમાં મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા કુલ 394 માસ્કના કેસ હેઠળ 3,37,900 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે સોશિયલ ડિસ્ટનસીંગ ભંગના 1050 કેસ નોંધી 3,40,800 ની રોકડ દંડ પેટે વસૂલ કરવામાં આવી છે. આમ આજ દિવસ સુધીમાં કુલ 1444 કેસો નોંધી રૂા.7,37,800ના દંડની વસુલાત કરવામાં આવી હતી.
દુ:ખદ બાબત એ છે કે, સામાન્ય પ્રજા પાસેથી માસ્ક ન પહેરવાના અને સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગના ગુના નોંધી રોકડના દંડની વસૂલાત કરી સરકારી તીજોરી ભરવાના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહયા છે. જ્યારે કોઇ નેતા કે રાજકીય આગેવાનો અને પ્રજાના પ્રતિનિધિઓ બેરોકટોક માસ્ક પહેર્યા વગર ફરતા હોય છે. જેની સામે પોલીસ કે તંત્ર દંડની વસૂલાત કરવામાં વામણુ બની જાય છે. જેનો ભોગ સામાન્ય પ્રજાએ બનવું પડે છે અને તંત્ર પ્રજા પાસેથી દંડ વસૂલવામાં કોઇ કસર બાકી રાખતી નથી અને કોઇપણ ભોગે આ બન્ને નિયમોનો ભંગ કરનાર કોઇપણ વ્યકિત હોય તેની પાસેથી કાયદાના દંડા દેખાડી દંડની વસૂલાત કરવામાં આવે છે.