ગુજરાત સરકારે ગત સપ્તાહે યોજેલી ચિંતન શિબીરમાં તમામ 33 જીલ્લાનો રીપોર્ટ કાર્ડ પેશ કરવામાં આવ્યો હતો. તેમાં રાજકોટ જીલ્લાનો બીજો ક્રમ આવ્યો છે. મહત્વની વાત એ છે કે જામનગર સહીત 14 જીલ્લા સુશાસન ઈન્ડેકસમાં ઘણા નબળા જાહેર થયા હતા. ચિંતન શિબીરમાં પ્રથમ વખત ગુજરાતનાં જીલ્લાઓનો સુશાસન ઈન્ડેક્ષ રજુ કરવામાં આવ્યો હતો. 14 જીલ્લા એવા હતા કે 10 માથી એકપણ ક્ષેત્રમાં ટોપ-થ્રી સ્થાન મેળવી શકયા ન હતા. કૃષિ, વ્યાપાર, અને ઉદ્યોગ માનવ કૌશલ્ય વિકાસ, જાહેર આરોગ્ય જાહેર માળખાગત સેવા સામાજીક કલ્યાણ અને વિકાસ ન્યાયતંત્ર અને જાહેર સુરક્ષા, પર્યાવરણ તથા નાગરીક કેન્દ્રીત શાસન જેવા 10 ક્ષેત્રોનાં 65 પાસાઓ આધારીત જીલ્લાઓને ક્રમાંક આપવામાં આવ્યા હતા. આ 10 માંથી એક પણ ક્ષેત્રમાં પ્રથમ ત્રણમાં સ્થાન મેળવી ન શકેલા જીલ્લાઓની સંખ્યા 14 હતી.
એકપણ ક્ષેત્રમાં ટોપ-થ્રીમાં સ્થાન મેળવી ન શકેલા જીલ્લાઓમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટા ઉદેપુર, જામનગર, કચ્છ, ડાંગ, ગીર સોમનાથ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર તથા તાપી જીલ્લાઓનો સમાવેશ થાય છે. સમગ્ર સુશાસન ઈન્ડેકસમાં નવસારી જીલ્લો રાજયભરમાં પ્રથમ ક્રમાંકે જાહેર થયો હતો.રાજકોટ જીલ્લાને બીજો તથા અમદાવાદ જીલ્લાને ત્રીજો નંબર મળ્યો હતો. સમગ્ર રીપોર્ટમાં કેટલાંક રસપ્રદ તારણો પણ બહાર આવ્યા હતા. જે અંતર્ગત રાજયના તમામ 33 જીલ્લામાં દુધ ઉત્પાદનમાં વધારો થયો છે. એટલુ જ નહિં 22 જીલ્લામાં અનાજ તથા બાગાયતી ઉત્પાદનમાં પણ વૃધ્ધિ છે. આ સિવાય 29 જીલ્લામાં ઔદ્યોગીક વિકાસ ગતિવિધીમાં પણ પોઝીટીવ ટ્રેન્ડ હોવાનું દર્શાવાયું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ મધ્યમવર્ગ માટે મકાનોનાં નિર્માણમાં ગાંધીનગર, સુરત, તથા ભરૂચ મેદાન મારી ગયા હોય તેમ સૌથી વધુ આવાસ નિર્ણય આ જીલ્લાઓમાં થયુ હતું.આરોગ્ય ક્ષેત્રનાં રીપોર્ટમાં એમ જણાયું હતું કે 27 જીલ્લાઓમાં 80 ટકા આરોગ્ય કેન્દ્રો કાર્યરત રહ્યા હતા. પાણી પુરવઠા ક્ષેત્રે 29 જીલ્લાઓમાં 75 ટકા પાણીના સેમ્પલ ગુણવતાનાં માપદંડ મુજબ રહ્યા હતા.અર્થાત શુદ્ધ પાણી મળતુ હતું. કાયદો-વ્યવસ્થા ક્ષેત્રના રીપોર્ટમાં એમ જણાવાયું હતું કે ઈન્ડીયન પીનલ કોડ હેઠળનાં કેસોમાં જ ચાર્જશીટ દાખલ કરવામાં બનાસકાંઠા, સાબરકાંઠા તથા જામનગર જીલ્લામાં સૌથી ઓછા દિવસો થયા હતા. અર્થાત વહેલી તકે ચાર્જશીટ ફાઈલ થયા હતા. રાજય સરકારનાં સ્વાગત પોર્ટલમાં પેશ થતી ફરીયાદોનો 100 ટકા નિકાલ 9 જીલ્લામાં થયો હોવાનું જાહેર થયુ હતું. સ્ટાર્ટઅપ જોકે અમદાવાદ, વડોદરા તથા સુરતમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ સંખ્યા હોવાનું જાહેર થયુ હતુ.


