જામનગર જિલ્લાની વિધાનસભાની પાંચ બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાના પ્રથમ ચાર દિવસ દરમ્યાન એક પણ ઉમેદવારી પત્ર રજૂ થયું નથી જો કે, ઉમેદવારી નોંધાવવા માટે ઇચ્છુકો 3 દિવસમાં કુલ 139 ફોર્મ લઇ ગયા છે. જે પૈકી એક પણ ફોર્મ ભરાઇને અત્યાર સુધી પરત આવ્યું નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નક્કી થઇ જતાં ઉમેદવારોની ચૂંટણીના જંગમાં ઉતરવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં એટલે કે, તા. 1 ડિસેમ્બરમાં જામનગર જિલ્લાની વિધાનસભા બેઠકો પર મતદાન થશે ત્યારે જામનગરની કુલ પાંચ વિધાનસભા સીટો પરની ઉમેદવારીના ફોર્મ ઇસ્યૂ થવા લાગ્યા છે.
76-કાલાવડ વિધાનસભા સીટ માટે ગત તા. 5 નવેમ્બરના રોજ પાંચ તેમજ તા. 7ના રોજ ચાર અને તા. 8ના રોજ એક ફોર્મ એમ ટોટલ અત્યાર સુધીમાં 10 ફોર્મ ઉપડયા છે.
જ્યારે 77-જામનગર (ગ્રામ્ય)ની વાત કરીએ તો તા. 5 નવે.ના રોજ 14 તેમજ તા. 7ના રોજ 21 અને તા. 8ના રોજ 8 એમ કુલ 43 ફોર્મ ઉપડયા છે.
78-જામનગર (ઉત્તર)ની સીટ માટે તા. 5 નવેમ્બરના રોજ 9 ફોર્મ, તા. 7ના રોજ 8 ફોર્મ અને તા. 8ના રોજ 13 ફોર્મ ઉપડયા હતાં. એટલે કે, ટોટલ 30 ફોર્મ અત્યાર સુધીમાં ઉમેદવારો માટે લેવાઇ ચૂકયા છે.
79-જામનગર (દક્ષિણ)ની બેઠકના આંકડા જોઇએ તો તા. 5 નવે.ના રોજ 23 ફોર્મ, તા. 7ના રોજ 8 ફોર્મ અને તા. 8ના રોજ પાંચ ફોર્મ એમ કુલ 36 ફોર્મ ઉપડયા છે.
80-જામજોધપુર બેઠક પરથી તા. 5ના રોજ 8 ફોર્મ, તા. 7ના 8 ફોર્મ અને તા. 8ના રોજ 4 ફોર્મ એમ કુલ 20 ફોર્મ ઉપડયા છે.
આ આકડાઓ જોતાં કહી શકાય કે, જામનગર જિલ્લા વિધાનસભાની કુલ પાંચ બેઠકો પર અત્યાર સુધીમાં કુલ 139 ફોર્મ ઉપડયા છે. એટલે કે, 139 ઉમેદવારો ચૂંટણીના જંગમાં ઉતરવા તૈયાર છે.