લાલપુરમાંથી પોલીસે ચાર શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.13,410 ની રોકડ તથા ગંજીપના કબ્જે કર્યા હતાં જામનગર શહેરના ખંભાળિયા નાકા બહારથી ત્રણ શખ્સોને વર્લીમટકાનો જૂગાર રમતા ઝડપી લઇ તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં હાલાર હાઉસ પાસેથી પોલીસે રૂા.4840 ની રોકડ તથા ઘોડીપાસા સાથે પાંચ શખ્સોને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરમાંથી વર્લીના સાહિત્ય સાથે વૃધ્ધને ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, લાલપુરમાં સહકાર પાર્ક સોસાયટી ગરબી ચોકમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન વેજાણંદ ઉર્ફે પીરિયો દેવરખી વસરા, વેજાણંદ કેશુ કરંગીયા, વજશી નાથા કરંગીયા, કરશન મશરી વાઘેલા નામના ચાર શખ્સોને ઝડપી લઇ રૂા.13,410 ની રોકડ તથા ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં ખંભાળિયા નાકા બહાર કિશાન ચોક વિસ્તારમાં વર્લીનો જૂગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન અંકિત કેતન નંદા, બસીર ઓસમાણ સોલંકી, પ્રભુદાસ જમનાદાસ મકવાણા નામના ત્રણ શખ્સોને રૂા.4640 ની રોકડ, 5000 ની કિંમતનો મોબાઇલ તથા વર્લીનું સાહિત મળી કુલ રૂા.9640 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન પરાગ નાખવા નામનો શખ્સ નાશી જતાં પોલીસે તેની સામે ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ત્રીજો દરોડો, જામનગરના હાલાર હાઉસ પાછળ ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન કાસમ મુસા મતવા, હનીફ મામદ ખુરેશી, મજીદ મુસ્સા કકકલ, દેવા રાણા મહિડા અને જયેશ ડાયા મકવાણા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ રૂા.4840 ની રોકડ તથા ઘોડીપાસા 1 જોડી સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગરના જામજોધપુરમાં મીની બસ સ્ટેન્ડ પાસે બાપા સીતારામ મઢુલી પાસે જાહેરમાં વર્લીના આંકડા લખી જૂગાર રમતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન વિઠ્ઠલ કારા વરાણીયા નામના વૃદ્ધને રૂા. 1770 ની રોકડ તથા વર્લીના સાહિત્ય સાથે પકડી પાડી રૂા.2270 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.