ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સાંસદ-ધારાસભ્ય કોર્ટે મંગળવારે 2013ના રમખાણો પહેલા બનેલા કવાલ કાંડ સાથે સંબંધિત એક કેસમાં ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈની સહિત 12 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની જેલ અને 10-10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. જોકે, સજા સંભળાવ્યા બાદ જ ભાજપના ધારાસભ્ય સહિત તમામ 12 દોષિતોને કોર્ટમાંથી જ જામીન મળી ગયા હતા.
27 ઓગસ્ટ 2013ના રોજ મુઝફ્ફરનગર જિલ્લાના કવાલ ગામમાં ગૌરવ અને સચિનની હત્યા બાદ પોલીસે ખતૌલી વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈની સહિત 28 લોકો પર 147, 148, 149, 307, 336, 353,504 અને 506 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ જ કેસમાં ધારાસભ્ય વિક્રમ સૈની સહિત 28માંથી 12 લોકોને મુઝફ્ફરનગરની એમપી-એમએલએ અદાલતે બે-બે વર્ષની સજા ફટકારી છે અને પ્રત્યેકને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે જ્યારે 15 લોકોને આ કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન એક આરોપીનું મૃત્યુ થઈ ગયુ હતું.
જો ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈનીનું માનીએ તો તેઓ ન્યાયતંત્રનું સન્માન કરે છે પરંતુ તેઓ નીચલી અદાલતના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે. આ મામલાની માહિતી આપતા ધારાસભ્ય વિક્રમ સૈનીના વકીલ ભરતવીર સિંહ અહલાવતે કહ્યું કે, ધારાસભ્ય પર લોકોને મુસ્લિમો વિરુદ્ધ ભડકાવવાનો આરોપ છે. તે સમયે સાત-આઠ લોકો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા અને બાકીના ભાગી ગયા હતા. ભાગી છૂટેલા તમામને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા પરંતુ જેઓ સ્થળ પર પકડાયા હતા તેઓને બે વર્ષની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ધારાસભ્ય વિક્રમ સૈની પણ આમાં સામેલ છે.