Wednesday, March 25, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં બે આરોપીઓને 20 વર્ષની જેલ સજાનો હુકમ

જામનગરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં બે આરોપીઓને 20 વર્ષની જેલ સજાનો હુકમ

જામનગરની પોકસો અદાલતે સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં બે આરોપી તોસીફહુશેન સુલેમાનભાઈ લાખા તથા સમીર હુશેન હનીફભાઈ ગજીયાને પોકસો સહિતની કલમ અન્વયે 20 વર્ષની સખત કેદની સજા તથા રૂ. 10,000નો દંડ તથા ભોગબનનારને વળતર પેટે રૂ.4,00,000 ચુકવવાનો હુકમ કર્યો છે.

- Advertisement -

આ કેસના આરોપી તોસીફહુશેન સુલેમાનભાઈ લાખા એ તા. 27-06-2021 થી તા. 01-04-20રર દરમ્યાન ફરીયાદીની સગીર વયની દીકરી (ઉંમર 13 વર્ષ, 6 માસ) સાથે તેણી ની સંમતિ વગર તેની મરજી વિરૂદ્ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ ગુજારી ભોગ બનનારનું શારીરિક શોષણ તેમજ દુષ્કર્મ આચરેલ તેમજ અન્ય આરોપી સમીરહુશેન હનીફભાઈ ગજીયાએ આ કૃત્યનો વિડીયો પોતાની પાસે હોવાનું ભોગ બનનારને જણાવી વિડીયો બધાને બતાવી દેવાની ધમકી આપી, સગીરા સાથે બળજબરીથી અવાર-નવાર શરીર સંબંધ બાંધેલ તેમજ શારીરિક શોષણનાં કારણે બાળા ગર્ભવતી થઈ હતી. તે અંગેની ફરીયાદ પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા. 27-06-2022ના રોજ નોંધાવવામાં આવી હતી.

જે ફરીયાદ મુજબ તપાસ કરનાર અધિકારી દ્વારા ગુનાની તપાસ કરી આરોપીઓ વિરૂદ્ધ પોકસો સહિતની કલમ મુજબનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. જે કેસ જામનગર ની પોકસો અદાલતમાં ચાલી જતા ભોગ બનનાર, ફરીયાદી તથા મેડીકલ ઓફીસર વિગેરે 10 જેટલા સાહેદોની જુબાની તથા સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલ 40 જેટલા દસ્તાવેજી પુરાવાઓ તેમજ જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી એ અદાલત સમક્ષ કરેલ ધારદાર દલીલ જણાવેલ કે, આરોપીઓ સામે સગીર વયની બાળા ભોગબનનાર ને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ કરવા અંગેનો ગુનો છે .તેમજ ફરીયાદ પક્ષ આરોપી ઓ વિરૂદ્ધનાં આક્ષેપો નિ:શંકપણે પુરવાર કરેલ છે. તેમજ સમાજમાં દિન-પ્રતિદિન આ પ્રકારનાં ગુનાઓનું પ્રમાણ વધી રહેલ છે અને બાળાઓ ભોગબનનાર ઉપર વિપરીત અસર પડે છે જેથી સમાજમાં દાખલો બેસે તેથી આરોપીઓને મહતમ સખત કેદની સજા તથા દંડ નો હુકમ ફરમાવા રજૂઆત કરેલ હતી.

- Advertisement -

જે મુજબ જામનગરની સ્પે.પોકસો અદાલતનાં ન્યાયાધીશ આર. પી. મોગેરાએ ઉપરોકત હકીકતો તથા ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આરોપીઓને પોકસો તથા ભારતીય દંડ સંહીતાની અલગ અલગ કલમો હેઠળ તકસીરવાન ઠરાવી બન્ને આરોપીઓને 20 વર્ષની સખત કેદ ની સજા તથા રૂ.10,000નો દંડ અને જો આરોપીઓ દંડ ન ભરે તો વધુ 1 વર્ષ ની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. ઉપરાંત ભોગબનનાર બાળાને વળતર પેટે રૂ.4,00,000 ચુકવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular