દ્વારકામાં રહેતા અને વેપાર ધંધા ઉપરાંત પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા એક રઘુવંશી યુવાન સાથે ત્રણ અજાણ્યા શખ્સોએ બોલાચાલી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે દ્વારકાના વેપારીઓ સાથે રઘુવંશી સમાજમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે દ્વારકામાં સિધ્ધનાથ મંદિરની સામે રહેતા અને મહાજન બજારમાં જલારા
મ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા તેમજ પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા મહેન્દ્રભાઈ નવનીતલાલ કક્કડ નામના 44 વર્ષના વેપારી યુવાન ગઈકાલે ગુરુવારે બપોરના સમયે પોતાની દુકાનના ગોડાઉનમાં હતા. ત્યારે તેમની દુકાનમાં ત્રણ અજાણ્યા શખ્સોએ નજીક આવેલી શ્રી હોટલ પાસેથી જઈને તેમની દુકાનમાં રહેલા કેટલાક નમકીનના પડીકા ઉપાડી લીધા હતા. આ પડીકાના રૂપિયા 200ની ઉઘરાણી મહેન્દ્રભાઈ કક્કડએ ઉપરોક્ત ત્રણ શખ્સો પાસે કરતા તેઓએ બિભત્સ ગાળો કાઢી, ‘તેં પૈસા શું કામ માંગ્યા ? અમે કોણ છીએ તે તું ઓળખતો નથી. બીજી વખત પૈસા માંગીશ તો જાનથી મારી નાખીશું.’તેવી ધમકી ઉચ્ચારી હતી.
આ બનાવ બનતા વેપારી યુવાન મહેન્દ્રભાઈએ તાત્કાલિક 100 નંબર પર ફોન કરી અને પોલીસને બોલાવી લીધી હતી. પરંતુ આરોપી શખ્સો ડખ્ખો સર્જીને આ સ્થળેથી નાસી ગયા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે વેપારી યુવાનની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો સામે આઈપીસી કલમ 382, 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુતએ હાથ ધરી છે.
આ બનાવ બનતા રઘુવંશી સમાજના આગેવાનો, વેપારીઓ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને જિલ્લા પોલીસ વડાને જાણ કરતા એસ.પી નિતેશ પાંડેયની સૂચના મુજબ દ્વારકાના પી.આઈ. દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.