જુદા-જુદા મુદ્દાઓ પર હોબાળાને કારણે રાજયસભાની કાર્યવાહી સતત અવરોધાતા સભાપતિ(ઉપરાષ્ટ્રપતિ) એમ.વેંકૈયા નાયડુએ ગૃહમાં સોમવારે કહ્યું કે, આપણે દિવસે ને દિવસે નિ:સહાય થતા જઇ રહ્યા છીએ. પેગાસસ જાસૂસી કેસ, ત્રણેય કૃષિ કાયદા સહિત જુદા જુદા મુદ્દાઓ પર ગૃહમાં હોબાળાને લીધે સંસદના મોનસુન સત્રમાં ગત સપ્તાહની શરૂ થયા બાદથી અત્યાર સુધી કોરોના મહામારી મેનેજમેન્ટ પર ચાર કલાકની ચર્ચા ઉપરાંત કોઇ અન્ય કામકાજ થઇ શકયું નથી. સોમવારે પણ હોબાળાને લીધે ઉપલા ગૃહની કાર્યવાહી અવરોધાઇ અને શૂન્યકાળ પણ ન ચાલ્યું. હોબાળો કરી રહેલા સભ્યોને શાંત પાડવાનો પ્રયાસ કરતા સભાપતિએ કહ્યું કે, આપણે દિવસે ને દિવસે નિ:સહાય થતા જઇ રહ્યા છીએ. શૂન્યકાળ, વિશેષ ઉલ્લેખના માધ્યમથી, જનહિત સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ ઊઠાવવાની મંજૂરી અપાય છે પણ ગૃહમાં કામકાજ થઇ રહ્યું નથી. સભ્યોને બોલવાની તક મળી રહી નથી.