દેશના સૌથી સંવેદનશીલ એવા સરહદી રાજ્ય કાશ્મીરને લાંબાસમય સુધી ‘ભૂલી જવામાં આવ્યું’ સરકારે બે વર્ષ પહેલાં જમ્મુ-કાશ્મીરને બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી નાંખ્યું છે – સર્વપક્ષીય ચર્ચા વિના જ.
હવે, 2021માં કાશ્મીરના સીમાંકન અને રાજકિય અસ્થિરતાના માહોલ બાદ, કાશ્મીરમાં ચૂંટણી માટે સરકારે પ્રયાસો શરૂ કર્યા. પ્રથમ વખત કાશ્મીરના નેતાઓને મળવા દિલ્હી બોલાવ્યા અને તેઓના ‘મન કી બાત’ જાણવાનો પ્રયાસ કર્યો.
જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચ્યા બાદ વર્ષ ર019થી રાજકીય અસ્થિરતાના માહોલ વચ્ચે હવે ચૂંટણી કરાવવાનો તખ્તો ઘડાયો છે. વડાપ્રધાનના નિવાસ સ્થાને ગુરૂવારે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી જેમાં કાશ્મીરના 14 નેતાઓએ વડાપ્રધાન સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. બેઠકના અંતે તારણ નિકળ્યું કે કાશ્મીરમાં ડિલિમિટેશન (સીમાંકન) બાદ ઈલેકશન(ચૂંટણી) યોજવામાં આવશે. જે માટે પ્રદેશના નેતાઓની સહમતિ અને રાજકીય સમર્થન મેળવવા પ્રયાસ કરાયો હતો. ચૂંટણી પહેલા દરેક વર્ગને અનુકૂળ માહોલ બનાવવામાં આવશે. બેઠક અંગે મોટાભાગના નેતાઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
બેઠક અંગે સૂત્રોએ જણાવ્યું કે કાશ્મીરના ભવિષ્ય અંગે ખુલ્લા મને વાતચીત થઈ હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ દિલ્હીથી દૂરી અને દિલથી દૂરી દૂર કરવા ઈચ્છે છે. રાજકીય મતભેદો હશે પરંતુ સૌએ દેશહિતમાં કામ કરવું જોઈએ. જેથી જમ્મુ-કાશ્મીરના લોકોનું હિત થાય. કાશ્મીરમાં દરેક વર્ગના લોકો માટે સુરક્ષાનો માહોલ બનાવવો પડશે. જમ્મુ-કાશ્મીરમાં વિકાસની ગતિ પર વડાપ્રધાને સંતોષ વ્યક્ત કર્યો હતો.
બેઠકમાં સામેલ કાશ્મીરના પુર્વ ના.મુખ્યમંત્રી-ભાજપના નેતા કવિન્દ્ર ગુપ્તાએ કહ્યું કે કાશ્મીરમાં ફરી એકવાર વિધાનસભા ઘડાશે. તમામ નેતાઓ ચૂંટણી ઈચ્છે છે અને સીમાંકન બાદ વહેલી તકે ચૂંટણી યોજાશે. કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજ્જા અંગે વડાપ્રધાને ભરોસો આપ્યો હતો.
જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના પ્રમુખ અલ્તાફ બુખારીએ કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં વાતચીત ખૂબ સાનુકુળ માહોલમાં થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા નેતાઓની વાત શાંતિથી સાંભળી. વડાપ્રધાને ખાતરી આપતાં કહ્યું કે સીમાંકન બાદ ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દિલ્હી ખાતે કાશ્મીર મામલે ગુરુવારે બાદ 3.30 કલાક લાંબી મહત્ત્વની બેઠક યોજાઈ હતી. કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યાના આશરે ર વર્ષ બાદ કેન્દ્ર સરકાર અને કાશ્મીરના રાજકીય આગેવાનો એકસાથે બેઠા અને કાશ્મીરના ભવિષ્ય અંગે ખુલ્લા મને વાત કરી હતી. બેઠકમાં કાશ્મીરથી ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફતી, ઉમર અબ્દુલ્લા, ગુલામનબી આઝાદ, રવિન્દ્ર રૈના, કવિન્દ્ર ગુપ્તા, નિર્મલ સિંહ, સજ્જાદ લોન, ભીમસિંહ સહિત 14 આગેવાનો સામેલ થયા હતા. સાથે ગૃહમંત્રી અમિત શાહ, એનએસએ અજિત ડોભાલ, કેન્દ્રિય મંત્રી જિતેન્દ્રસિંહ, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા વગેરે ઉપસ્થિત હતા.
જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં તબદિલ કરી દેવામાં આવ્યા બાદ આ પ્રદેશમાં લોકતાંત્રિક પ્રક્રિયાને પુન:બહાલ કરવા માટે આજે કરવામાં આવેલા પ્રથમ મોટા પ્રયાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષી બેઠકમાં વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરવાં પ્રતિબદ્ધતા દેખાડી હતી. તો ગૃહમંત્રી અમિત શાહે પણ સંસદમાં અપાયેલા વચન અનુસાર રાજ્યનો દરજ્જો બહાલ કરવા અંગે કહ્યું હતું કે, સીમાંકન અને શાંતિપૂર્ણ ચૂંટણી આના માટે મહત્ત્વના છે.
વડાપ્રધાન સાથે બેઠક બાદ પીડીપી નેતા-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફતીએ ફરી એકવાર પાકિસ્તાન પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે સરકારે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ જ્યારે પણ પાકિસ્તાન સાથે વાતચીત કરવામાં આવે છે કાશ્મીરીઓને સુકુન મળે છે. આર્ટિકલ 370 ગેરકાયદે દૂર કર્યાનો તેમણે આરોપ લગાવ્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી-નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લાએ કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજ્જાની માગ કરી કહ્યું કે તેઓ પ ઓગસ્ટ,ર019ના રોજ જે થયું તેને માનતા નથી. રાજ્ય અને કેન્દ્ર વચ્ચેનો વિશ્વાસ ડગી ગયો છે. કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો લોકોને પસંદ નથી. જેકે કેડર બહાલ કરવી જોઈએ.
સાંસદ-પીડીપી નેતા મુઝફર હેસૈન બેગે કહ્યું કે બેઠકમાં અર્થતંત્ર, શિક્ષણ, સામાજિક બાબતો, રોજગાર, વિકાસ અંગે વાતચીત થઈ. પહેલા સીમાંકન પછી ચૂંટણી એવુ નક્કી કરાયું છે. તે માટે કમિશન છે. કયારે થશે તે અંગે સરકાર કંઈ કહી ન શકે. વડાપ્રધાન કાશ્મીરની જનતાની મુશ્કેલીઓ જાણે છે. તેમણે કહ્યું કે ટકરાવને બદલે શાંતિથી જેટલું થઈ શકશે તેઓ કરશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે કોંગ્રેસ તરફથી મુખ્ય પ માંગ રજૂ કરવામાં આવી છે, જેમાં કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો, વહેલી તકે વિધાનસભા ચૂંટણી, કાશ્મીરી પંડિતોની વાપસી અને પુન:વસન, રાજકીય કેદીઓની મુક્તિ તથા ડોમિસાઈલ અને જમીનની ગેરેન્ટી સામેલ છે. કોંગ્રેસે કાશ્મીરી યુવાનોને રોજગાર આપવા માગ કરી હતી.’