કપાસિયા ખોળમાં અખાધ ચીજોની ભેળસેળ એ હદે વકરી છેકે હવે દૂધાળા પશુઓ અને માનવસ્વાસ્થ્ય અંગે ઉંડી ચિંતા થવા લાગી છે. ખોળમાં ભેળસેળનો મુદ્દો નવો નથી. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી થાય છે પણ તે ઓછી થવાને બદલે વધી રહી છે. સરકાર પણ આ મુદ્દે કોઇ પગલાં લઇ રહી નથી એટલે સમગ્ર કપાસ ઉધોગમાં છૂપો રોષ દેખાય છે. અલબત્ત આ મુદ્દ હવે આંદોલન કે વ્યાપક વિરોધ થાય એવી શક્યતા છે.
કપાસિયા ખોળમાં લાકડાનો વહેર, ઉદયપુરની ખાસ પ્રકારની માટી, ચોખા, મકાઇ અને ઘઉંની ફસકી ઉપરાંત મગફળીની ફોતરી જેવી કુલ 18 જેટલી ચીજો ઉમેરાય છે. વળી, આવી ચીજો ઉમેર્યા બાદ ખોળ દેખાવડો બને એ માટે ઉપરથી રાજસ્થાનથી આતું ખાસ સફેદ એસિડ ઉમેરવામાં આવે છે. આ બધા તત્વો એકઠાં થઇને ખોળને ઝેર જેવો બનાવી દે છે. ચોખા, મકાઇ અને ઘઉંની ફૂસકી કે મગફળીના ફોતરાં પશુઓ માટે અખાદ્ય નથી પણ ખોળની વ્યાખ્યામાં આવતા નથી એટલે ટ્રેડને પણ નુક્સાન કરી રહ્યો છે.
સૌરાષ્ટ્ર કપાસ, કપાસિયા અને ખોળ એસોસીએશનના પ્રમુખ અવધેશ સેજપાલ કહે છે, ભેળસેળ સામે બે વર્ષ પહેલા ખૂલ્લો વિરોધ થયો હતો. જોકે એ પછી કોરોનાને લીધે એ શક્ય નથી. ભેળસેળ થી સ્ટોકિસ્ટો, માલધારી, પશુપાલકો, દલાલો, વેપારીઓ અને કિસાન સંઘ પણ વાજ આવી ગયું છે. સરકારમાં પણ આ મુદ્દે રજૂઆત થઇ છે પણ દુષણ અટકતું નથી. એક જિનર ક્હે છે, ગુજરાતની તુલનાએ સૌરાષ્ટ્રમાં ભેળસેળ ખૂબ વધારે પ્રમાણમાં થાય છે. ભેળસેળ ક્યા વિસ્તારોમાં થાય છે અને ખોળ બજારમાં ક્યાંથી ઠલવાય છે તે સૌ જાણે છે પણ અટકાવવા માટે પ્રયાસો થાય છે તે અપૂરતા છે.
ભેળસેળિયો ખોળ ખવડાવવાને લીધે દૂધાળા પશુઓના આંતરડા બગડે છે અને જાત જાતના રોગ થાય છે.એટલું જ નહીં આવા ઢોરનું દૂધ પીવાને લીધે માનવસ્વાસ્થ્યને પણ નુક્સાન થઇ રહ્યું છે. એક વેપારી નામ નહી લખવાની શરતે કહે છેકે, ભેળસેળની સાથે ઘણી વખત નામી મિલો વજનચોરી પણ કરી રહી છે તેનાથી ખરીદનાર નુક્સાનીમાં રહે છે. વજન ચોરી માટે ગરમ ખોળ વંચવામાં આવે છે. કપાસિયાની વ્યાપક અછત અત્યારે છે અને ખોળમાં પણા તેજી છે. છતાં ભેળસેળિયા ખોળનો ભાવ નીચો રહેતો હોવાથી બજારને બહુ અસર થતી નથી. એક દલાલ ક્હે છે કે, એક ગાડી કપાસિયા હોય તો એમાથી દોઢ ગાડી જેટલો ભેળસેળિયો ખોળ તેયાર થઇ જાય છે. ઉત્પાદન દોઢું મળે છે અને એમાં વપરાતી ચીજો સસ્તી હોવાથી તે પ્યોર ખોળ સાથે સીધી હરિફાઇમાં જીતી જાય છે. વળી, આવો ખોળ વેંચનારા પણ સસ્તો હોવાને કારણે જોરશોરથી પ્રચાર કરે છે.
સોરાષ્ટ્રમાં એક તરફ પ્યોરખોળ રૂ. 1700-1760ના ભાવથી 50 કિલોદીઠ મળે છે. તેની સામે ભેળસેળિયો ખોળ રૂ.200-250 જેટલા નીચાં ભાવથી મળે છે એટલે સહેલાઇથી વેચાઇ જાય છે. ખરેખર તો પશુપાલકોએ હવે કપાસિયા ખોળ ખવડાવવો હોય તો તે ખરાઇ કર્યા બાદ કે ફક્ત સારી બ્રાન્ડસનો વાપરવો જોઇએ એવો સમય આવી ગયો છે.
કપાસિયા ખોળમાં વ્યાપક ભેળસેળ !!
પશુઓ ઉપરાંત માનવ સ્વાસ્થ્ય સામે પણ જોખમ: સૌરાષ્ટ્રમાં સૌને આ કુંડાળાની ખબર છે !