એપ્રિલ મહિનામા રીટેલ ફુગાવો ઘટીને 4.29 ટકા થયો છે. જે ત્રણ મહિનાની નીચલી સપાટી દર્શાવે છે. શાકભાજી અને અનાજ જેવી રસોડાની વસ્તુઓના ભાવ ઘટવાને કારણે એપ્રિલમાં રીટેલ ફુગાવામાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ માર્ચ મહિનામાં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન(આઇઆઇપી) આધારિત ઔદ્યોગિક ઉત્પાદનમાં 22.4 ટકાનો વધારો નોંધાયો છે. માર્ચમાં મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને પાવર સેક્ટરના ઉત્પાદનમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારિત રીટેલ ફુગાવો 5.52 ટકા રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો ઘટીને 2.02 ટકા હતો. માર્ચ મહિનામાં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો 4.87 ટકા રહ્યો હતો. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર વાર્ષિક ધોરણે શાકભાજીના ભાવમાં 14.18 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૃઆતમાં જ આરબીઆઇ ગવર્નરે શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સામાન્ય રહેવાની આગાહીથી ખાદ્યાન્ન વસ્તુઓના ભાવ ઘટવામાં મદદ મળશે. આરબીઆઇ વ્યાજ દર નક્કી કરતી વખતે રીટેલ ફુગાવો પણ ધ્યાનમાં લેતી હોય છે. ગયા મહિને આરબીઆઇએ નાણાકીય નીતિની સમીક્ષા દરમિયાન વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન(આઇઆઇપી)માં મેન્યુફેકચરિંગ સેક્ટરનો ભારાંક 77.63 ટકા હોય છે. માર્ચ, 2021માં મેન્યુફેકચરિંગ સેક્ટરના ઉત્પાદનમાં 25.8 ટકાનો વધારો થયો છે તેમ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે. માર્ચમાં માઇનિંગ સેક્ટરમાં 6.1 ટકા જ્યારે વીજળી ઉત્પાદન સેક્ટરમાં 22.5 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે માર્ચ મહિનામાં કોરોના લોકડાઉનને કારણે આઇઆઇપી આધારિત ઉત્પાદનમાં 18.7 ટકાનો ઘટાડો થયો હતો. ઓગસ્ટ, 2020 સુધી ઔદ્યોગિક ઉત્પાદન નેગેટિવ રહ્યું હતું. ઔદ્યોગિક ઉત્પાદનમાં સપ્ટેમ્બરમાં એક ટકા અને ઓક્ટોબરમાં 4.5 ટકાનો વધારો થયો હતો. નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.6 ટકાનો ઘટાડો થયો હતો. ઔદ્યોગિક ઉત્પાદનમાં ડિસેમ્બરમાં 2.2 ટકાનો વધારો થયો હતો જ્યારે જાન્યુઆરીમાં 0.9 ટકા અને ફેબુ્રઆરીમાં 3.4 ટકાનો ઘટાડો થયો હતો.
ભાવ ઘટયા હોય કે નહીં દેશમાં રીટેલ ફૂગાવો ઘટયો!
એપ્રિલમાં રીટેલ ફુગાવો ઘટીને 4.29 ટકા થયો : જ્યારે ઔદ્યોગિક ઉત્પાદનમાં 22.4 ટકાનો વધારો નોંધાયો