કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કેર ફંડમાંથી રાજયોને અપાયેલા વેન્ટિલેટર્સ ખોટકાઇ જવાના આરોપ-પ્રત્યારોપ વચ્ચે ચોંકાવનારી બાબતો સામે આવી છે. કેન્દ્રના દાવા અને ઓડિટની પ્રારંભિક વિગતોમાંથી જાણવા મળ્યું છે કે દેશની હેલ્થકેર સિસ્ટમને વ્યવસ્થિત કરવા માટે વેન્ટિલેટર્સ તૈયાર નથી. પહેલા વેન્ટિલેટર્સના ભાવ અને ટેન્ડર પ્રક્રિયા સામે સવાલો થયા હવે ટેકનોલોજી અને ગુણવત્તાને લઇને સવાલો થઇ રહ્યા છે.
વિવાદો વધવાથી વડાપ્રધાન કાર્યાલયે તેના ઇન્સ્ટોલેશનની સ્થિતિ અને ફરિયાદોની તપાસનો આદેશ આપ્યો છે. સંસદમાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આરોગ્ય મંત્રાલયે ગત 12 માર્ચે જ જણાવ્યું હતું કે, 1,850 કરોડ રૂપિયામાંથી ખરીદવામાં આવેલા 38,867 વેન્ટિલેટર્સ રાજયોને આપવામાં આવ્યા છે. જેમાંથી 35,267 ઇન્સ્ટોલ થઇ ગયા છે.
વેન્ટિલેટીર્સ બનાવતી કંપનીઓ અને કેટલાંક રાજયોના ડોકટરો અને ટેકનીલ સ્ટાફ સાથે વાત કરી તો ખબર પડી કે આ સમસ્યા પાછળ ગુણવતાની સાથે ટ્રેનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ પણ કારણરૂપ છે. ઘણા રાજયોમાં સંખ્યાબંધ વેન્ટિલેટર્સ વેરહાઉસમાં પડેલા મળ્યા હતા. તેને લગાવવા માટે લોકેશન તૈયાર નથી. વેન્ટિલેટરને ઓકિસજન પાઇપ સાથે જોડતા કનકેટર નથી. ઘણી હોસ્પિટલોને રાતોરાત કોવિડ કેર સેન્ટર બનાવી દેવાઇ પણ એમાં વેન્ટિલેટર જેવા મશીનોના સંચાલન માટે સંસાધન જ નથી. સાથે જ મશીનો મેન્યુફેકચર કરનાર ઓકિસજન સેન્સર, ફયૂઝ, કનેકટર જેવા સ્પેરરપાર્ટ્સ મળતા નથી અને સર્વિસ પણ થતી નથી. કોવિડ દર્દીઓ માટે બાપ-પેપ, હાઇફલો મોડ સૌથી વધુ જરૂરી છે. પણ કંપનીઓએ સોફટવેર અપગ્રેડેશન નહીં કરતા હજારો વેન્ટિલેટરનો ઉપયોગ થઇ શકતાો નથી.
બાબા ફરીદ યુનિવર્સિટી પંજાબના વીસી ડો.રાજબબહાદુરે જણાવ્યું હતું કે, પીએમ કેરમાંથી આવેલા 800માંથી 237 વેન્ટિલેટર બંધ છે.ભેલ દ્વારા એમપીમાં 1500, રાજસ્થાનમાં 1900, યુપીમાં3,134, બિહારમાં 700, આંધ્ર પ્રદેશમાં 3,000, કેરળ-તમિલનાડુમાં 3000 કરતા વધારે વેન્ટિલેટર સપ્લાય કર્યા હતા. કેરળ, તમિલનાડુ અને બિહારમાં તે કામ કરે છે પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ અને પંજાબમાં 40 ટકાથી વધુ વેન્ટિેલેટર્સ ઉપયોગમાં લેવાતા નથી.