કાલાવડ ગામમાંથી પસાર થતી સ્કોડા કારને આંતરીને સ્થાનીક પોલીસે તલાસી લેતાં તેમાંથી રૂા.46,000ની કિંમતની 92 બોટલ દારૂ મળી આવતાં મોબાઇલ, કાર અને દારૂના જથ્થા સહિત રૂા.5,71,500ના મુદ્ામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ પુછપરછ હાથ ધરી હતી. જામનગરના ગોકુલનગર રડાર રોડ પરથી બાઇક પર જતાં શખ્સને પોલીસે દારૂની બે બોટલો સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો કાલાવડ ગામમાંથી પસાર થતી જીજે.01.એચએલ.1582 નંબરની સ્કોડા કારને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતાં તેમાથી રૂા.46,000ની કિંમતની જુદી-જુદી બનાવટની દારૂની 92 બોટલ મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો અને રૂા.25,500ની કિંમતના 3 નંગ મોબાઇલ તેમજ રૂા.5,00,000ની કિંમતની સ્કોડા કાર સહિત કુલ રૂા.5,71,500ની કિંમતના મુદ્દામાલ સાથે જામનગરના ગીરીશ ઉર્ફે સંજલો બાઠીયો પ્રફુલ વાઘેલા અને લોકેશ ઉર્ફે લકો વિનોદ જગાણી નામના બે શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં ગોકુલનગર રડાર રોડ પરથી પસાર થતાં જીજે.10.સીએ.9824 નંબરના બાઇકને આંતરીને સંજય રમેશ વાઘેલા નામના શખ્સની તલાસી લેતાં તેના કબજામાંથી રૂા.1000ની કિંમતની દારૂની બે બોટલો મળી આવતાં પોલીસે દારૂ અને બાઇક સહિત રૂા.21,000નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો વિજરખીના દિપક દયાળ ચૌહાણ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું ખુલતાં પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.