ગુજરાતનાં લગભગ તમામ શહેરો અને ગામોમાં હાલ કોરોનાની રસી લેવા માટે લાંબી કતારો લાગે છે. ઘણીવાર રસી ઓછી હોવાની ફરિયાદો પણ આવે છે, પરંતુ ટૂંક સમયમાં ગુજરાતમાં જ કોરોનાની રસી કોવેક્સિનનું ઉત્પાદન શરૂ થઇ જશે. ગુજરાત સરકારની સંસ્થા ગુજરાત બાયોટેક રિસર્ચ સેન્ટર(જીબીઆરસી) આવતા સપ્તાહે કોવેક્સિનની ઉત્પાદક કંપની ભારત બાયોટેક સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવા જઇ રહી છે અને એ હેઠળ આ ઉત્પાદન શરૂ થશે.
રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદની બાયોટેક્નોલોજી રિસર્ચ પર કામ કરતી કંપનીઓ હેસ્ટર બાયોસાયન્સ અને ઓમનીબીઆરએક્સ બાયોટેક્નોલોજી કંપનીઓની સાથે મળીને જીબીઆરસી આ રસીનું ઉત્પાદન કરશે. આમાં જીબીઆરસીની ભૂમિકા કોરોનાની રસી માટેની ટેક્નોલોજી ભારત બાયોટેક પાસેથી મેળવીને તેના અનુસંધાને આ બંને કંપનીને રસીનાં ઉત્પાદન તથા એની ગુણવત્તા અને નિયમનની જાળવણી કરવાનું રહેશે.
આ બંને કંપનીઓ મળીને ગુજરાતમાં ઓછામાં ઓછા બે કરોડ ડોઝનું ઉત્પાદન કરશે, જેમાંથી સરકાર સાથેના કરાર મુજબ એ પૈકીના પચાસ ટકા લેખે એક કરોડ ડોઝ ગુજરાતને મળવાપાત્ર રહેશે અને એ સરકાર કંપની પાસેથી ખરીદશે. આગામી સમયમાં આ રસીનું ઉત્પાદન વધારીને ચાર કરોડ જેટલું ઊંચું લઇ જઇ શકાય એ મુજબની ક્ષમતા વિકસાવવામાં આવશે અને ઉત્પાદન વધશે તો તેટલા વધુ ડોઝ ગુજરાતને મળશે.
આ રસી અંગેની ટેક્નોલોજીના શેરિંગ બાદ જ રસીનું ઉત્પાદન શરૂ થશે. આવતા સપ્તાહે એના એમઓયુ થયા બાદ ચારથી છ મહિનાની અંદર આ રસીનું ઉત્પાદન ગુજરાતમાં શરૂ થઇ જાય એવી શક્યતા છે. આ બંને કંપનીઓ હાલ રસી બનાવવાના ક્ષેત્રમાં કાર્યરત હોવાથી માળખાકીય સુવિધા ઊભી કરવા માટે કોઇ સમય વ્યતિત થશે નહીં, પરંતુ એની પ્રાથમિક બેચ બનીને આવે એ પછી ઔપચારિક ટેસ્ટિંગ કરી એને જાહેર હેતુ માટે ઉપયોગમાં લઇ શકાશે.
અલબત્ત, ગુજરાત સરકારે પણ આ કંપનીઓ પાસેથી રસી ખરીદીને જ લેવી પડશે. આ પ્રક્રિયામાં ગુજરાત સરકાર સામેલ હોવાથી સરકારને આ રસીના ડોઝ પ્રમાણમાં ઓછી કિંમતે મળી શકે છે, એવું સૂત્રો જણાવે છે. બાકીના પચાસ ટકા ડોઝ કંપની કેન્દ્ર સરકારની સૂચના અનુસાર વિતરણ કરી શકે છે.