દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છ નગરપાલિકા આવેલી છે. જે પૈકી તાજેતરમાં માત્ર બે જ કાયમી ચીફ ઓફિસર હતા અને અન્ય નગરપાલિકા ઇન્ચાર્જના વહીવટથી ચાલતી હતી. દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યા કે જેમની પાસે ઓખા નગરપાલિકાનો પણ ચાર્જ હતો, તેઓ તાજેતરમાં પોતાનું રાજીનામું આપીને ચાલ્યા ગયા હતા. પરંતુ તેમનું રાજીનામું મંજૂર ન થતા તેઓ પુન: દ્વારકા ફરજ પર હાજર થઈ ગયા છે. આમ, હાલ જિલ્લામાં છ નગરપાલિકા વચ્ચે ત્રણ કાયમી ચીફ ઓફિસર સેવામાં છે.
દ્વારકા જિલ્લાની બાજુમાં આવેલા જામનગર જિલ્લામાં ચાર નગરપાલિકા છે અને તમામ ચાર નગરપાલિકામાં રેગ્યુલર ચીફ ઓફિસર ફરજ બજાવે છે. જ્યારે દ્વારકા જિલ્લો આ બાબતે છેલ્લા ઘણા વર્ષોથી જાણે કમનસીબ હોય તેમ લાંબા સમયથી જુદી જુદી નગર પાલિકામાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા વહીવટનું ગાડું ગબડાવવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા અને જામરાવલ નગરપાલિકામાં તો વર્ષોથી રેગ્યુલર ચીફ ઓફિસર મુકાયા જ નથી. રાવલ પાલિકાનો ચાર્જ દ્વારકાના ચીફ ઓફિસરને અને સલાયા નગર પાલિકાનો ચાર્જ જામનગર જિલ્લાના સિક્કા નગરપાલિકા નજીક ઓફિસર પાસે છે.