Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતહાઇકોર્ટનો આ અભિગમ લોકજાગૃતિ વધારી શકશે

હાઇકોર્ટનો આ અભિગમ લોકજાગૃતિ વધારી શકશે

- Advertisement -

કોરોના મહામારીમાં વેપાર ઉદ્યોગ અને શિક્ષણને ખાસ્સી અસર થઇ છે એ જ રીતે કોર્ટ કાર્યવાહીને પણ અસર થઇ છે અને એ કારણે અનેક કેસોનો ભરાવો થયો છે. પણ ગુજરાત હાઇકોર્ટે આ દિશામાં દેશને રાહ ચીંધ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા કેસનું હિયરીંગ ઓનલાઇન તો થાય જ છે. પણ એનું પ્રસારણ પણ લાઇવ કરવામાં આવે છે. આ અભિગમને બહુ પ્રશંસવામાં આવ્યો છે. અને સુપ્રિમ કોર્ટ આ દિશામાં વિચારણા કરી રહ્યું છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા છેલ્લા 6 માસથી ઓનલાઇન સુનાવણીનું લાઇવ પ્રસારણ થાય છે. 26 ઓકટોબર, 2020થી આ શરૂઆત થઇ. આ જાહેરાત થઇ ત્યારે એનો આધાર 2018નાં સ્વપ્નીલ ત્રિપાઠી અને સુપ્રિમ કોર્ટના કેસનો લેવાયો હતો. એ કેસનું લાઇવ સ્ટ્રીમીંગ થયું હતું.

સૌથી મહત્વની વાત એ છે કે, ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયનો લોક પ્રતિસાદ બહુ સારો મળ્યો. હાઇકોર્ટની યુ ટયુબ ચેનલના 58,000 સબસ્ક્રાઇબર થયા છે અને 94 જેટલા વિડીયો છે એને 34 લાખ વ્યુ મળ્યા છે. આ બહુ મોટી વાત છે. સૌથી મહત્વની વાત એ છે કે લોકોએ આ વાતને વધાવી છે એટલું જ નહિ એક પ્રકારે આ લાઇવ પ્રસારણ લોકો માટે કાયદાકીય જાગૃતિનો ભાગ બની ગયો છે. જે કેટલાંક પ્રતિભાવ આવ્યા છે એમાં કાયદાના વિદ્યાર્થીઓ અને સ્નાતકો પણ છે એમણે કહ્યું કે આ તો આમારા માટે એક પ્રકારે પ્રેકટીકલ શિક્ષણ જેવું છે. સામાન્ય લોકોને પણ ખબર પડે છે કે, કોર્ટ કાર્યવાહી કેમ થાય છે.

દેશની કોઇ હાઇકોર્ટમાં કોઇ કેસનું આ રીતે લાઇવ પ્રસારણ થતું નથી. કોલકાતા કોર્ટે એક કેસ પૂરતી આવી વ્યવસ્થા કરી હતી પણ અન્ય કોઇ રાજયની હાઇકોર્ટે આવો પ્રયોગ હાથ ધર્યો નથી. શા માટે નથી પ્રયોગ કરાયો એ સમજવું મુશ્કેલ છે. સુપ્રિમ કોર્ટ પણ આના પક્ષમાં છે અને સુપ્રિમ કોર્ટમાં પણ આ રીતે સુનાવણીનું લાઇવ પ્રસારણ થાય એ માટે આગળ વધી રહી છે.

મદ્રાસ હાઇકોર્ટ દ્વારા ચૂંટણી પંચ સામે આકરા શબ્દો વપરાયા હતા અને હત્યાનો કેસ નોંધવાની ટિપ્પણી કરી હતી અને પંચ દ્વારા આવું રિપોટીંગ મીડિયામાં ના થાય એવી માંગણી કરી હતી. પણ સુપ્રિમ કોર્ટ દ્વારા એ વાત સ્વીકારાઇ ન હોતી. કોર્ટ દ્વારા તો કોર્ટની પ્રોસીડીંગ મીડિયાને મળે એવી વ્યવસ્થા કરવા સૂચના પણ આપી છે.

સુપ્રિમ કોર્ટે આ બાબતે એક આદેશ આપે તો બધી હાઇકોર્ટમાં આ રીતે સુનાવણી લાઇવ પ્રસારણ થઇ શકે. લાઇવ પ્રસારણ કરવામાં કોઇ મુશ્કેલી હોવી ના જોઇએ. જો કે, ગુજરાત હાઇકોર્ટમાં અમુક કેસ જ હાથ ધરવામાં આવે છે અને સ્થાનિક કક્ષાએ તો મોટાભાગે તારીખો જ પડી રહી છે.
સ્થાનિક કોર્ટમાં પણ આ રીતે સુનાવણી હાથ ધરાય એનું લાઇવ પ્રસારણ કેમ ના થાય ? આ મુદ્દે વિચારણા થવી જોઇએ. જો કે, સ્થાનિક કોર્ટમાં ટેકનોલોજીના પ્રશ્ર્નો છે અને ખાસ કરીને આ ટેકનોલોજી સમજી શકે એનો ઉપયોગ કરી શકે એવો સ્ટાફ ઓછો છે પણ આ મુદ્ે રાજય સરકારએ ગંભીરતાથી વિચારવું જોઇએ. કોર્ટમાં ટેકનોલોજી અને સ્ટાફના પ્રશ્ર્નો હોય તો એ તુરંત ઉકેલાવા જોઇએ.

અને આ કોઇ નવી વાત નથી. દુનિયાના અનેક દેશોમાં કેસની સુનાવણીનું લાઇવ પ્રસારણ થાય છે. યુએસ સુપ્રિમ કોર્ટ, યુકે સુપ્રિમ કોર્ટ, કોર્ટ ઓફ અપીલ ઓફ ધી યુકે, ઇન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટમાં કેસની સુનાવણીનું લાઇવ પ્રસારણ થાય જ છે.ભારતે પણ આ દિશમાં નિર્ણય લેવો જોઇએ. એનાથી લોકોમાં કાયદાકીય જાગૃતિ પણ આણી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular