દેશની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે એક મહત્ત્વની ટિપ્પણી કરતાં આઝાદીના 75 વરસ પછી પણ અંગ્રેજોના જમાનાના દેશદ્રોહના કાયદાની શું જરૂર છે તેવો સવાલ કેન્દ્ર સરકારને કર્યો હતો.
અંગ્રેજો આઝાદીના આંદોલનને કચડવા માટે દેશદ્રોહના કાયદાનો ઉપયોગ કરતા. આ કાયદાનો ગાંધીજી, બાલગંગાધર તિલક જેવી પ્રતિભાઓના અવાજ દબાવવા દુરુપયોગ કરાતો. આજે સરકાર વિરુદ્ધ બોલતા નાગરિકોના અવાજ વિરુદ્ધ પોલીસ દેશદ્રોહના જૂના કાયદાનો દુરુપયોગ કરે છે જે ચિંતાનો વિષય છે, તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
ટોચની ભારતીય અદાલતે પાંચ મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમન્નાએ કહ્યું કે, સરકાર અનેક કાયદાઓ ખતમ કરી રહી છે, તો આ દેશદ્રોહના કાયદાને ખતમ કરવા પર વિચાર કેમ કરતી નથી.
આ કાયદો તો એવો છે કે કોઇ કઠિયારાને કુહાડી આપો તો તે એક વૃક્ષનાં સ્થાને આખેઆખું જંગલ કાપી નાખે તેવું રમન્નાએ કહ્યું હતું. કલમ 124-એ હેઠળ એટલી શક્તિઓ મળી ગઇ છે કે પોલીસ કોઇ પતા કે જુગાર ખેલનાર પર પણ રાજદ્રોહનો કેસ કરી નાખે છે.
હાલત એટલી ખરાબ છે કે કોઇ સરકાર કે સત્તારુઢ પક્ષ કોઇનો અવાજ સાંભળવા ન માગે તો તેના વિરુદ્ધ પણ દેશદ્રોહના કાયદાનો ઉપયોગ કરશે તેવું સુપ્રીમે કહ્યું હતું.
મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમન્નાએ એટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલને જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતની મુખ્ય ચિંતા દેશદ્રોહના કાયદાના થતા દુરુપયોગની છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે રદ કરી દેવાયેલી આવકવેરા કાયદાની કલમ 66-એના સતત ઉપયોગનું ઉદાહરણ આપતાં કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે, દેશદ્રોહનો કાયદો રદ કેમ નથી કરી દેવાતો ?
દરમ્યાન, કેન્દ્ર સરકાર વતી પક્ષ રાખતાં એટોર્ની જનરલ વેણુગોપાલે કહ્યું હતું કે, આખા કાયદાને જ રદ કરવાની જરૂર નથી. સર્વોચ્ચ અદાલત લોકતાંત્રિક સંસ્થાઓ અને રાષ્ટ્રની રક્ષા માટે કાયદાની કલમનો દુરુપયોગ રોકવા માટે નવી માર્ગદર્શિકા આપી શકે તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.
આઇટી એકટની કલમ 66-એ પછી હવે, દેશભરમાં આઇપીસીની કલમ 124-એ (દેશદ્રોહ)ના મુદ્દે ગાજવીજ
અંગ્રેજોએ આઝાદીના લડવૈયાઓને ચૂપ કરવા ઘડેલો કાયદો, આજે પણ દેશભરમાં અમલી અને સરકારો દ્વારા વ્યાપક દૂરૂપયોગ: સુપ્રિમ કોર્ટ ખફા