Tuesday, December 24, 2024
Homeખબર સ્પેશીયલઢોરની સમસ્યા ઉકેલવામાં તંત્ર પણ ઢોર જેવું

ઢોરની સમસ્યા ઉકેલવામાં તંત્ર પણ ઢોર જેવું

જામ્યુકોના અધિકારી, ચૂંટાયેલા પ્રતિનિધિ આ અંગે ધ્યાન દેશે ખરા...? : ઢોર માલિકો વિરૂધ્ધ કાર્યવાહી માં શું તંત્રને કોઇની શરમ નડે છે ?

- Advertisement -

સૂચિત બારડ-જામનગર

જામનગર શહેરમાં રખડતા રઝળહતા ઢોરની સમસ્યાએ કોઇ નવી વાત રહી નથી. જામનગરના અખબારોમાં અવારનવાર રખડતા ઢોર અંગેના અહેવાલો પ્રસિધ્ધ થતાં રહે છે પરંતુ જામનગર મહાનગરપાલિકાના સત્તાધિશો, પદાધિકારીઓ કે કોર્પોરેટરોને કોઇ અસર જ થતી નથી. આ સમસ્યાએ એક સમયના સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા જામનગરને ઢોરનગર બનાવી દીધું છે. જામનગર શહેરમાં રસ્તા, શેરી, ગલીઓમાં અને ચોકમાં રેઢિયાર ઢોરના ત્રાસથી શહેરીજનો વર્ષોથી ત્રાસ અનુભવી રહયા છે. શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ઢગલાબંધ ઢોર સવારથી રાત્રિ સુધી પડયા-પાથર્યા રહે છે. શહેરના કોઇપણ માર્ગ ઉપર નિકળો અને રખડતું ભટકતું કોઇપણ પશુ જોવા ન મળે તો જ નવાઇ લાગે જેના કારણે ટ્રાફિક જામ તો થાય જ છે પરંતુ વટે માર્ગુઓને ઘાયલ પણ કરે છે. આ કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યાના કિસ્સાઓ પણ સામે આવતા રહે છે.ચોમાસાની સીઝન આવી ચૂકી છે. ત્યારે આ સમસ્યા વધુ સર્જાશે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં અનેક મેયર, શાસનાધિકારીઓ, કમિશનરો, કોર્પોરેટરો ફરજ બજાવી ચૂકયા પરંતુ તેમાંથી કોઇપણ જામનગરના નાગરિકોને રખડતા ઢોરથી પડતી સમસ્યા દૂર કરી શકયા નથી.. !!જામનગરનાું તંત્ર શા માટે ઢોરના ત્રાસને દૂર કરવા કાયમી ધોરણે કડક પગલાં લેતું નથી ? કે પછી આ સમસ્યા દૂર કરવા તંત્રને કયુું ગ્રહણ નડે છે ? કે આ સમસ્યા દૂર કરવામાં તંત્રને રસ નથી…? જામનગર શહેરમાં એક તરફ માર્ગો સાંકડા થઇ રહયા છે. પાર્કિંગની સમસ્યા પણ ઉભી થઇ રહી છે. ત્યારે જાહેર માર્ગો, ચોકમાં રખડતા ઢોર ખડકાયેલા હોવાથી લોકોને અવરજવરમાં ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં અનેક અત્યંત ગીચ વિસ્તારોમાં વર્ષોથી ટ્રાફિકનો પ્રશ્ર્ન છે. એમાં રખડતા ઢોરના કારણે ગંદીનું પ્રમાણ પણ વધે છે. ખાસ કરીને શેરી ગલીઓમાં લોકો ગાયને એઠવાડ નાખતા હોય ગંદકીનું સામ્રાજય જોવા મળે છે.
શહેરનું નાક કહી શકાય તેવા ટાઉનહોલ, પંચેશ્ર્વર ટાવર, શાક માર્કેટ, બેડી ગેઇટ, ખોડિયાર કોલોની જેવા અનેક મુખ્ય વિસ્તારો ઉપરાંત રામેશ્ર્વર નગર, ગાંધીનગર કડિયાવાડ, ચૌહાણફળી, દેવુભાનો ચોક, ભોંયવાડો, રાજપાર્ક, પટેલ પાર્ક, વંડાફળી, તળાવફળી, હવાઇચોક, ટૂંકમાં કહીએ તો શહેરનો એક પણ વિસ્તાર બાકી નહિં હોય કે જયાં રખડતા ઢોરનું સામ્રાજય કાયમીનું છે. અહીં રખડતા ઢોર કાયમી માટે અડિંગો જમાવી બેઠા હોય છે.

વૃદ્ધોને પસાર થવું એટલે જાણે મોતના મુખમાંથી પસાર થવા બરાબર છે. રખડતા ઢોરને કારણે છાણ-મૂત્રની ગંદકી ફેલાયેલી રહે છે. તેમજ વાહનોમાં નુકસાન થવાના કિસ્સા દરરોજ બનતા રહે છે. તેમાં પણ જયારે ખૂંટિયાઓની અંદરો-અંદરની લડાઇમાં સમગ્ર રોડ ઉપર આતંક મચી ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે અને આ ફાઇટમાં હડફેટે ચડનારનું તો આવી જ બને છે. આ લડાઇમાં લોકોના જીવના ભોગ લેવાયાના બનાવો પણ બન્યા છે. આખલા યુધ્ધથી પાર્ક કરેલા વાહનોમાં અવાર-નવાર નુકસાની થવાની ફરિયાદો પણ ઉઠતી રહી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા છાશવારે ઓટલાના દબાણો, લારીગલ્લાં પથારાવાળાઓને હટાવી બહાદુરી દાખવતા હોવાનો ઢોંગ કરતા હોય છે તેમજ વાહનોને પોલીસ દ્વારા પણ ટોઇગ કરાતા હોય છે. પરંતુ એકપણ તંત્રને ઢોર દેખાતા જ નથી ! જામ્યુકો દ્વારા ઢોરનું ટેંગિગ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ પણ આ સમસ્યાનો કોઇ ઉકેલ આવી શકયો નથી. ઢોરને પકડવા અને તેને ડબ્બે પુરવાના કામમાં તંત્રની ઢીલી નીતિ સ્પષ્ટ પણે જોવા મળે છે. જામ્યુકોએ ઢોર માલિકને ઢોરની સંખ્યા સાથે રજિસ્ટ્રેશન કરાવી દરેક ઢોરના માલિકના નામ-નંબર આપવાનો કાયદો કરાયો હતો જેમાં ઢોરના કામમાં લેબલ લગાવવામાં આવ્યા હતા જેથી તેના આધારે ઢોરની માલિકની માહિતી મેળવી શકાય પરંતુ એમાંય કેટલાય ઢોરના કાનમાંથી લેબલો કાઢી નખાયા છે.

જામનગરના મેયર, ડે. મેયર, કમિશનર જેવા પદાધિકારીઓએ તો મોટરોમં ફરતા હોય છે પરંતુ જામનગરના સામાન્ય નાગરિકો ટુ વ્હીલરમાં રખઢતા ઢોરના ત્રાસથી પરેશાન છે. જીવદયા પ્રેમીઓ કે ગૌ ભકતો પશુઓ પ્રત્યે કરૂણતા દાખવે છે. તેમની દયાભાવની લાગણી સાચી પરંતુ ઢોરની કિંમત કરતા બાળકો, વૃધ્ધો વગેરે માનવજીવની કિંમત હજારો લાખો ગણી છે આથી ઢોરના ત્રાસમાંથી મુકિત માટે ઢોરને પકડવા જરૂરી છે.

નવનિયુકત કમિશનર આ સમસ્યા તરફ ધ્યાન આપશે?

જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વર્ષો જૂની છે પરંતુ તાજેતરમાં જ મહાનગરપાલિકામાં નવા કમિશનરની નિમણૂંક થઈ છે. જામનગરમાં અનેક કમિશનરો ફરજ બજાવી ચૂકયા પરંતુ, આ સમસ્યાનો કોઇ નિવેડો આવ્યો નથી. ત્યારે જામનગરના શહેરીજનો અપેક્ષા રાખી રહ્યા છે કે, વર્ષો જૂની આ સમસ્યા તરફ નવનિયુકત કમિશનર ધ્યાન આપશે ખરા ? અને આ સમસ્યાથી શહેરીજનોને છૂટકારો અપાવી શકશે ?

રખડતા ઢોર કોર્પોરટરોને શિંગડે ચડાવે તો ખબર પડે !

જામનગર મહાનગરપાલિકામાં ભાજપને શાસનકાળના રપ વર્ષ થયા આમ છતાં હજુ સુધી ભાજપ કે, કોંગ્રેસના એકપણ સભ્ય દ્વારા રખડતાં ઢોર અંગે કોઇ જ નિરાકરણ થયું નથી. આ બાબતે કોઇપણ કોર્પોરેટરોએ શિંગડા ચડાવ્યા નથી કે, આ સમસ્યાના ઉકેલ તરફ ધ્યાન આપ્યું નથી. કદાચ રખડતાં ઢોરે હજુ સુધી એકપણ કોર્પોેરેટરોને કયારેય પણ શિંગડે ચઢાવ્યા નહીં હોય તેમ લાગી રહ્યું છે.

જામ્યુકોની સાથે નગરજનો પણ જવાબદાર બને

રખડતા ઢોરની સમસ્યા માટે જામનગર મહાનગરપાલિકાની સાથે-સાથે નગરજનો પણ એટલા જ જવાબદાર છે. જાહેરમાં ઘાસચારો નાખવાને બદલે ગૌ શાળામાં આપી પુણ્યનું ભાથું બાંધવું જોઇએ જેથી માર્ગો પર ગંદકી પણ ન થાય અને કેટલીક સમસ્યાનો ઉકેલ આવી શકે. આ ઉપરાંત મહિલાઓ શેરી ગલીઓમાં એઠવાડ કે ખાદ્યચીજો નાખે છે તેના માટેના કામ વાસણ પણ પડયા રહે છે જે આરોગ્ય માટે પણ જોખમી બની શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular