કોરોનાકાળ દરમિયાન રેમડેસિવિર ઈન્જેક્શન કાળબજારી રાજયમાં ઘણી જગ્યાએ જોવા મળી હતી. માર્ચ-એપ્રિલ મહિનામાં હોસ્પિટલમાં લાઈનો, બેડની અછત સાથે રેમડેસિવિર ઇન્જેક્શન ન મળતા હોવાથી લોકો તેના મોં માંગ્યા પૈસા આપીને ઇન્જેક્શન ખરીદવા માટે તૈયાર થઈ જતા હતાં. સરકાર પણ આ સમય દરમિયાન ઇન્જેક્શન ઉપલબ્ધ કરવવામાં નિષ્ફળ નીવડી હતી. ત્યારે અમદાવાદ અને બરોડામાં એક જ દિવસમાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યા હતા.
જેમાં ઉઈઇ પોલીસને બાતમી મળી હતી અને તે પ્રમાણે તેઓએ ટ્રેપ ગોઠવી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. જે દિવસે આ ફરિયાદ નોંધાઇ તેમાં પોલીસ ફરિયાદી બની અને તેમાં લખ્યું હતું કે, અમદાવાદમાં એક વ્યક્તિને આરોપી પાસે અમુક રકમ લેવાની નીકળે છે તેથી તેને આરોપીનો સંપર્ક કર્યો હતો. આરોપીએ આ વ્યક્તિને કહ્યું કે, પૈસા નથી હું રેમડેસિવિર ઇન્જેક્શન આપું એ લઈ લો. આવી માહિતીના આધારે ઉઈઇ પોલીસે વોચ ગોઠવીને હયાત હોટેલમાંથી આ આરોપીને ઇન્જેક્શનના જથ્થા સાથે ઝડપ્યો.
આ આરોપી હાલ જેલમાં છે સાથે બરોડામાં જ્યારે આવા ઇન્જેક્શન પકડાયા ત્યારે આ આરોપીનું નામ સામે આવ્યું હતું. જેથી અમદાવાદ અને વડોદરા સી.પીએ તેના વિરુદ્ધ પાસા લગાડવા માટે સોમવારે કોર્ટમાં રજુઆત કરી હતી. જેમાં કોર્ટે આ મામલે પોલીસની ઝાટકણી કાઢી હતી. સાથે સરકારની વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો કર્યા હતાં. હાઇકોર્ટે સરકારને 9 સપ્ટેબર સુધી જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.
હાઇકોર્ટે આ મામલે કહ્યું કે, આ ફરિયાદ અચાનક 2 પોલીસ સ્ટેશનમાં એક જ પ્રકારની ઘટના આધારિત કઈ રીતે થઈ? આ બંને ફરિયાદમાં ફરીયાદી પોલીસને જ કેમ બનવું પડ્યું? બીજું કોઈ જાણતું ન હતું કે પછી સરકારની અવ્યવસ્થા છુપાવા માટે આવા કેસ કરી લોકોનું ધ્યાન બીજી તરફ દોરવાનો આશય હતો. પોલીસનું સન્માન દરેક કરે છે પણ આવું થાય તો વિશ્વસનિયતા કેમની જળવાઈ રહે? આ બધું તો ઠીક છે પણ તમે આ જથ્થો આરોપી ક્યાંથી લાવ્યો એ કેમ ન તપાસ્યું? એ ઇન્જેક્શન ડુપ્લીકેટ છે એ કઈ રીતે માની લીધું? તપાસ કરવાની જરૂર છે.
આ 100 વર્ષમાં આ સૌથી ખરાબ મહામારીમાંથી આપણે દિવસો પસાર કર્યા છે. લોકો દિવસ રાત હોસ્પિટલની બહાર ઇન્જેક્શન માટે લાઈનોમાં ઉભા હતા. આ બાબતે સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ જવાબ આપવો પડશે. આવા કેસમાં પાસા લગાડવાની યુનિફોર્મ પોલિસી સરકારે નક્કી કરવી પડશે. અલગ અલગ જિલ્લામાં પાસા માટેની પોલિસી કેમની બદલાઈ જાય છે? શુક્રવારે વડોદરા સી.પીએ રેમડેસિવિરના આવાજ કેસમાં ડોક્ટર સામે પાસા ન કરવા માટે આગ્રહ કર્યો અને આજે તેમનો મૂળ આ કેસના આરોપી માટે કેમનો બદલાઈ ગયો?
એડવોકેટ કે.આઈ કાઝીએ જણાવ્યું કે, આ આરોપી 4 મહિનાથી જેલમાં છે જેમાં તેઓએ પૈસાની લેવડદેવડ બાકી હોવાથી ઇન્જેક્શન ઓફર કરતા ટ્રેપ દરમિયાન ઝડપાઇ ગયા હતાં અને ઇન્જેક્શન મળી આવ્યા. પરંતુ કોર્ટે અવલોકન કર્યું છે કે, સરકાર જોડે આવા કેસ માટે એક પોલિસી હોવી જોઈએ. જેથી તમામ કેસને તે મુજબ ચલાવી શકાય અને એમાં પાસા કરી શકાય કે કેમ તેવી શરતો પણ હોવી જોઈએ. કોર્ટે હાલ અગાઉ કરેલા ઓર્ડરને ધ્યાનમાં લઈને આ આરોપી સામે પાસા લગાડવા પર સ્ટે આપ્યો છે. સાથે રાજ્ય સરકારને 9 સપ્ટેમ્બર સુધી આ મામલે જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.