મુંબઈમાંથી 100 કિલો એનપીપી નામનું કેમિકલ નાર્કોટિક્સ બ્યૂરોએ ઝડપી લીધું હતું. આ કેમિકલ નાર્કોટિક્સ બનાવવામાં વપરાય છે તેવો રિપોર્ટ આવ્યો હતો તેમજ આ કેમિકલ રાજકોટમાં ભુણાવા પાટિયાની સામે હડમતાળાની સીમમાં આવેલી સેમ ફાઈન ઓ કેમ નામની કંપનીમાં બન્યું હોવાનુ સામે આવ્યું હતું. આ આધારે 31 જુલાઈ 2020ના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના તત્કાલીન ડીજી રાકેશ અસ્થાનાએ ગુજરાતના સચિવને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો જેમાં ફેક્ટરી મુદ્દે વિગતો અપાઇ હતી. આ ઉપરાંત પીએમઓમાંથી કાર્યવાહી માગવામાં આવી હતી કે, આ કંપનીના લાઇસન્સ રદ થયા છે કે નહીં.
એનસીબીના પત્રને આધારે રાજકોટ જિલ્લા કલેક્ટરને પત્ર અપાયો હતો અને તે કચેરીમાંથી તા. 18-8-2020ના રોજ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના નાયબ નિયામકને પત્ર લખી પાંચ દિવસમાં લાઇસન્સ રદ કરીને અહેવાલ મોકલવા આદેશ કર્યો હતો. જોકે નાયબ નિયામક આર. એ. પરમારે ગંભીર સૂચના હોવા છતાં પાંચ કે દસ દિવસ તો દૂર 40 દિવસ સુધી કાર્યવાહી જ કરી ન હતી અને ત્યાં સુધી ફેક્ટરી ધમધમી રહી હતી. લાઇસન્સ 28-9-2020ના રોજ રદ કરાયું હતું અને તે મામલે પણ આર. એ. પરમાર જણાવે છે કે લાઇસન્સ તો રદ કર્યું હતું પણ ફેક્ટરી કદી બંધ થઈ જ ન હતી ફેક્ટરી બંધ કરાવવાની જવાબદારી તેમની નથી તે કલેક્ટર અથવા પોલીસને જોવાનું હોય છે. નાર્કોટિક્સ જેવી ગંભીર બાબતમાં પણ નાયબ નિયામકે આડકતરી રીતે 40 દિવસ મોડું કરીને સંચાલકોને પૂરતો સમય આપ્યો હતો.
નાર્કોટિક્સ પ્રકરણમાં સેમ ફાઈન ઓ કેમના ડિરેક્ટર દીપક મહેતાની ધરપકડ કરાઈ હતી અને ઘણા દિવસ પૂછપરછ ચાલી હતી. લાઇસન્સ રદ થવા મામલે દીપક મહેતાએ જણાવ્યું હતું કે, ‘અમારા વિરુદ્ધ ગેરસમજથી કાર્યવાહી થઈ છે તેથી જ અમે લાઇસન્સ રદ કરવાના હુકમ સામે કોર્ટમાં ગયા છીએ’ સંચાલકનો દાવો છે કે લાઇસન્સ રદ થવા મામલે તેમને હાઈકોર્ટમાંથી સ્ટે મળ્યો છે.