સરકારના લેવલે રાજયભરની પ્રાથમિક શાળાઓમાં આરટીઇ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ લાભ મળે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ, આગામી શૈક્ષણિક સત્રમાં સવા લાખ જેટલાં છાત્રોને પ્રવેશ આપવા માટે સરકાર વ્યવસ્થા ગોઠવી રહી છે.
અત્રે નોંધનીય છે કે, ઘણી શાળાઓ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે એમ જણાવીને આરટીઇ અંતર્ગત બાળકોને પોતાની શાળામાં પ્રવેશ આપતી નથી. નિયમ એવો છે કે,કોઇ પણ શાળામાં કુલ વિદ્યાર્થીઓ પૈકી 25% એટલે કે, ચોથા ભાગના છાત્રોને આરટીઇ હેઠળ પ્રવેશ આપવાનો હોય છે.
ગત્ વર્ષે કોરોનાના કારણે શાળાઓમાં આ પ્રક્રિયા જુન-જુલાઇમાં કરવામાં આવી હતી. એ અગાઉના વર્ષે પણ વિલંબ થયો હતો. આ વર્ષે સરકાર વહેલાસર આયોજન પૂરુ કરવા ઇચ્છે છે.
જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને સરકાર દ્વારા સુચના આપવામાં આવી છે કે, તમામ શાળાઓની પ્રવેશ પ્રક્રિયા અંગેનો સંપૂર્ણ વિગતવાર ડેટા મેળવી અને ઇન્ડેક્ષ્ટ-બી પર સબમિટ કરવાનો રહેશે.
પાછલાં 02 વર્ષમાં 40,530 વિદ્યાર્થીઓ આરટીઇ હેઠળ શાળાઓમાં પ્રવેશ થી વંચિત રહ્યા હતા. આ વિગતો વિધાનસભામાં જાહેર કરવામાં આવી છે. 2019-20 દરમ્યાન રાજયની પ્રાથમિક શાળાઓમાં પ્રથમ ધોરણમાં કુલ 4,13,121 વિદ્યાર્થીઓનું નામાંકન થયું હતું. આ હિસાબે જોઇએ તો આ વિદ્યાર્થીઓ પૈકી 1,04,045 વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ આપવો પડે. પરંતુ સરકારનો આંકડો જણાવે છે કે, 2019-20માં શાળાઓએ 82726 વિદ્યાર્થીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપ્યો હતો. એટલે કે, 21319 ગરીબ બાળકો આરટીઇ હેઠળ શાળાઓમાં પ્રવેશ મેળવવાથી વંચિત રહ્યા હતા.