શ્રીલંકા બ્રિટનનો હજારો ટન કચરો બ્રિટન પાસે પાછો મોકલી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રીલંકાએ સોમવારે હજારો ટન ગેરકાયદેસર રીતે આયાત કરાયેલા કચરાથી ભરેલા સેંકડો ક્ધટેનર બ્રિટનને મોકલી આપ્યા છે. 2017-19 ની વચ્ચે, આ કચરો ગેરકાયદેસર રીતે આયાત કરીને શ્રીલંકા લાવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં, વિશ્વના સમૃદ્ધ દેશોનો કચરો એશિયાના ઘણા દેશો માટે સમસ્યા ઊભી કરી રહ્યો છે. હવે એશિયન દેશો તે વિદેશી કચરાને ક્ધટેનરમાં ભરીને તેમના મૂળ દેશમાં પાછો મોકલી રહ્યા છે.
કચરામાં મૃત મનુષ્યોના અંગો પણ સામેલ એક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, બ્રિટનથી શ્રીલંકા પહોંચેલા કચરાને લઈને કહેવામાં આવ્યું હતું કે તેમાં વપરાયેલા ગાદલા, કાર્પેટ અને ગોદડાં છે. પરંતુ આ કચરામાં હોસ્પિટલોનો બાયોવેસ્ટ પણ સામેલ હતો. કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાયોવેસ્ટમાં મૃત મનુષ્યોના અંગો પણ સામેલ હતા. ક્ધટેનર ઠંડું રાખવાની કોઈ વ્યવસ્થા નહોતી, જેના કારણે કેટલાક ક્ધટેનરમાંથી તીવ્ર દુર્ગંધ પણ આવી રહી હતી. સોમવારે કોલંબો પોર્ટ પરથી 45 ક્ધટેનરને જહાજોમાં લાદીને બ્રિટન મોકલવામાં આવ્યા હતા. આવા 263 ક્ધટેનર બ્રિટન મોકલવામાં આવ્યા છે, જેમાં ત્રણ હજાર ટન કચરો હતો. કસ્ટમ ચીફ વિજેતા રવિપ્રિયાએ જણાવ્યું હતું કે, ‘આવો ખતરનાક માલ ફરીથી આયાત કરવાના નવા પ્રયાસો થઈ શકે છે, પરંતુ અમે સતર્ક રહીશું અને ખાતરી કરીશું કે આવું ફરી ન બને.’ કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મેડિકલ વેસ્ટ ધરાવતા પ્રથમ 21 ક્ધટેનર સપ્ટેમ્બર 2020માં બ્રિટનને પરત કરવામાં આવ્યા હતા. એક સ્થાનિક કંપનીએ બ્રિટનથી કચરો આયાત કર્યો હતો. કંપનીએ તેને આયાત કરતી વખતે કહ્યું હતું કે તે વપરાયેલા ગાદલામાંથી સ્પ્રિંગ કાઢીને તેને ફરીથી વિદેશ મોકલશે અને ગાદલાના કપાસને ફરીથી ઉપયોગ માટે લઈ જશે. પરંતુ જ્યારે કસ્ટમ અધિકારીઓએ તપાસ કરી તો તેમને આ અંગે કોઈ પુરાવા મળ્યા ન હતા. એક સ્થાનિક પર્યાવરણીય કાર્યકર્તા જૂથે શ્રીલંકાની કોર્ટમાં અરજી દાખલ કરીને કચરાને તેના મૂળ દેશમાં પરત કરવાની માંગણી કરી હતી. કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક સહિતના જોખમી કચરાના શિપમેન્ટને નિયંત્રિત કરતા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને તમામ ક્ધટેનર દેશમાં લાવવામાં આવ્યા હતા. 2019ની તપાસમાં જાણવા મળ્યું હતું કે કચરાના ખરીદદારે 2017 અને 2018માં શ્રીલંકા લાવવામાં આવેલ લગભગ 180 ટન કચરો ભારત અને દુબઈ મોકલી દીધો હતો. ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને મલેશિયાએ પણ સેંકડો કચરાના ક્ધટેનર તેમના મૂળ દેશોમાં પાછા મોકલ્યા છે.