Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોની વોટર વર્કસ અને ડ્રેનેજ કમિટિઓના અધ્યક્ષોને ખુલ્લો પત્ર...

જામ્યુકોની વોટર વર્કસ અને ડ્રેનેજ કમિટિઓના અધ્યક્ષોને ખુલ્લો પત્ર…

- Advertisement -

શ્રી જીતેશભાઇ શિંગાળા
શ્રી આશિષભાઈ જોષી,

વોટરવર્કસ કમિટિ અને ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ બનવા બદલ આપ બન્નેને અભિનંદન.. આપ બન્ને અધ્યક્ષોને એક સાથે પત્ર એટલા માટે પાઠવી રહ્યા છીએ કે બન્ને વિભાગો એક બીજા સાથે તેમજ શહેરના લોકો સાથે સીધા સંકળાયેલા છે. પાણી અને ડે્રનેજ (ગટર) લોકોની પ્રાથમિકતા અને રોજબરોજની જરૂરિયાત છે. આ એવા વિભાગો છે જ્યાં રોજ ફરિયાદો આવતી રહે છે. જેનો રોજેરોજ ઉકેલ લાવવાનો હોય છે. બેદરકારી અને લાપરવાહી લોકોના આક્રોશનું કારણ બની શકે છે.

પ્રથમ વાત કરીએ વોટર વર્કસ વિભાગની તો જીતેશભાઈ આપને ખ્યાલ જ હશે કે બબ્બે દાયકાથી જામ્યુકોનું તંત્ર શહેરમાં દૈનિક પાણી વિતરણ કરવા સક્ષમ બની શકયું નથી. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ જામ્યુકો પાસે દૈનિક વિતરણનું સક્ષમ માળખું નથી. ચૂંટણીઓ આવે ત્યારે મોટા મોટા નેતાઓ દૈનિક પાણી વિતરણ કરવાના ગુબ્બારાઓ ઉડાવીને મત અંકે કરી જાય છે પરંતુ, ચૂંટણીઓ જતાં જ આ ગુબ્બારાઓ ફુટી જાય છે પાછુ વળી યાદ પણ નથી રહેતું કે, ચૂંટણી વખતે આવું કોઇ વચન કે દાવો કર્યો હતો! પરંતુ આશા છે આપને બરાબર યાદ હશે. કેમ કે આવા જ એક વચન કે ગુબ્બારાથી આપ પણ ચૂંટાયા છો. ત્યારે આપને જે અઢી વર્ષની ચેરમેન બનવાની તક મળી છે તેને વેડફી નહીં નાખો. ખાલી ખાલી વાતોમાં અને માત્ર ખૂરશી શોભાવીને સમય કાઢશો નહીં. આ બાબતે એકાદ મિટિંગમાં વિચારશો અને સંભાવનાઓ ચકાસશો તો પણ જામનગરની પ્રજા ઉપર આપનો ઉપકાર ગણાશે. તો વિચારશોને જીતેશભાઈ…
કુદરતની કૃપા છે કે, છેલ્લાં બે વર્ષથી પાણીની સમસ્યા સર્જાઈ નથી પરંતુ વિતરણ સંબંધી અનેક ફરિયાદો તો હજુ ઉભી જ છે. હજુ પણ એવા ઘણાં વિસ્તારો છે જ્યાં નળ દ્વારા પાણી પહોંચાડી શકાતું નથી. 2022 માં ‘નલ સે જલ’ યોજના પૂરી કરવાની છે. યાદ રાખજો.

આ ઉપરાંત ભૂતિયા કનેકશનોની ભરમાર પણ એટલી જ છે. આપનો વિભાગ કયારેક કયારેક આવા કનેકશનો સામે દેખાડો કરવા કાર્યવાહી કરે છે. જો કે, આવા કનેકશનો નિયમિત કરવા જામ્યુકો એક વર્ષથી યોજના ચલાવી રહી છે. સમયાંતરે યોજનાની મુદ્ત વધારવામાં આવી રહી છે. જો આ રીતે જ ચાલ્યું તો 10 વર્ષે પણ આ સમસ્યાનો નિવેડો નહીં આવે, કોઇ નિશ્ર્ચિત સમય મર્યાદા અને ત્યારબાદ કડક કાર્યવાહી કરવી પડશે. આ માટે વિભાગ સાથે મળીને કોઇ નકકર આયોજન કરવું પડશે. આ જવાબદારી પણ આપની કમિટિની જ છે. આશા રાખીએ પાણી સબંધી લોકોની ઓછામાં ઓછી ફરિયાદો આવે. બસ આટલું કરશો તો પણ લોકો આપને ફૂલડે વધારશે બાકી તો આપ સમજદાર છો…

થોડી વાત ડ્રેનેજ કમિટિની પણ કરી લઇએ. હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે સૌથી વધુ સમસ્યા ડે્રેનેજ સબંધી જ ઉભી થવાની છે એ યાદ રાખજોા. ચોમાસાના ચાર મહિના આપની કમિટિ અને વિભાગની વિશેષ જવાબદારી રહેશે. ગટરો ઉભરાવી, બ્લોક થઈ જવી, પાણી ભરાવા જેવી સમસ્યા સીધી જ લોકો સાથે સંકળાયેલી છે. શહેરના કોઇને કોઇ ભાગમાં દરરોજ આ સમસ્યા ઉભી થવાની છે. ત્યારે આપ આપના વિભાગને કેટલો કાર્યરત અને કામઢો રાખી શકો છો તેના પર આપની રાજકીય અને વહીવટી કુશળતાનો આધાર છે. શહેરને સંપૂર્ણપણે ભૂગર્ભ ગટર નેટવર્કથી સાંકળી લેવામાં આવે તે જરૂરી છે. આ એક એવી યોજના છે જે કયારેય પૂરી થવાની નથી તે નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ભૂતકાળમાં ગટરના કામોમાંથી પણ ભ્રષ્ટાચારની બૂ બહાર આવી છે. ત્યારે લોકોને કમ સે કમ ચોમાસા દરમિયાન ડ્રેનેજ સબંધી કોઇ મુશ્કેલીઓ ન પડે તેવું આયોજન કરશો. કમિટિઓ ભલે શોભાના ગાંઠિયા જેવી હોય પણ આપ ખૂરશી ઉપર આવો કોઇ ગાંઠિયો બનીને ન ચિપકી રહેતાં ખાલી અઢી વર્ષ કાઢવા જ હોય અને નામ આગળ ‘પૂર્વ ચેરમેન’ એવું વિશેષણ જ લગાવવું હોય તો તેના માટે આ સુવર્ણ અવસર ગણી શકાય! પણ અમને આશા છે આપ આવું નહીં કરો. કંઈક તો કરી દેખાડશો જેથી લોકોનો વિશ્ર્વાસ સાર્થક ઠરે…

ફરીથી આપ બન્ને અધ્યક્ષો અને આપની કમિટિના સભ્યોને ખૂબ ખૂબ શુભેચ્છા…
‘ખબર ગુજરાત’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular