જામનગર જિલ્લાના ગામડાંઓ સહિત સમગ્ર રાજયના ગ્રામ્ય વિસ્તારોને કોરોનામુકત બનાવવા માટે રાજય સરકારે મારૂં ગામ કોરોનામુકત ગામ એ પ્રકારની ઝૂંબેશ શરૂ કરી છે. અત્રે નોંધનીય છે કે,કોરોના મહામારીના ગત્ હુમલાની સરખામણીએ આ વર્ષે રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો વ્યાપ મોટાં પ્રમાણમાં જોવા મળે છે. છેલ્લો રિપોર્ટ એવો પણ છે કે, રાજયના ગ્રામ્યવિસ્તારો પૈકી કેટલાંક વિસ્તારો એવા પણ છે કે, જયાં કોરોના ટેસ્ટ પણ થતાં નથી અથવા પુરતાં પ્રમાણમાં થતાં નથી. એ માટેના કારણો ઘણાં હોય છે. ઘણાં ગ્રામ્ય વિસ્તારો એવાં પણ છે કે, જયાં નાગરિકોના કોરોના ટેસ્ટન થયાં હોય અને નાગરિકોના મૃત્યુ પણ નિપજયા હોય. આ સ્થિતિ દર્દનાક છે. આ સ્થિતિ વચ્ચે ગુજરાતના ગામડાંઓને કોરોના મુકત બનાવવા બહુ મોટાં પાયા પર કામ કરવું પડે.
અત્રે આપણે માત્ર જામનગર જિલ્લાની વાત કરીશું. ‘ખબર ગુજરાત’ દ્વારા તાજેતરમાં જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.બીરેન મણવરની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં તેઓએ જણાવ્યું છે કે,તારીખ 3 મે ની સાંજની સ્થિતિએ જામનગર તાલુકાનું એકમાત્ર સુર્યાપરા ગામ કોરોનામુકત હતું. આ ગામને બાદ કરતાં સમગ્ર જિલ્લામાં એક પણ ગામ કોરોના મુકત નથી. આ સ્થિતિમાં રાજયસરકાની ઝુંબેશ મુજબ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોના મહામારીની હકાલ પટ્ટી કરવી ખુબ જ અઘરું કામ છે. જોકે, ડો. બિરેન મણવરે જણાવ્યું છે કે, રાજય સરકારની આ ઝૂંબેશને સફળ બનાવવા માટે સમગ્ર જિલ્લામાં ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ડો.બિરેન મણવરે ‘ખબર ગુજરાત’સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, જિલ્લાના તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. તમામ ગ્રામ્ય વિસ્તારોને કોરોના વેકિસન મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવાઇ રહી છે. પાંચ દિવસ પહેલાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે કોરોના વેક્સિનના 11,000 ડોઝ આવ્યા હતાં.તે પછી અન્ય 5,000 ડોઝ આવ્યા અને ત્યારબાદ ગત્ શનિવારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે વેક્સિનના વધુ 12,000 ડોઝ આવ્યા છે. આ તમામ ડોઝ પ્રત્યેક ગામ સુધી પહોંચે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ડો. બિરેન મણવરે એમ પણ જણાવ્યું છે કે, કોરોના મહામારીની હાલની સ્થિતિ અતિશય ગંભીર છે. પરંતુ આપણે કોઇએ નિરાશ થવાની જરૂર નથી. તંત્રો કોરોના સામે લડવા ભરપુર પ્રયાસો કરી રહ્યા છે. લોકોએ પણ ખુબ જ સતર્ક રહેવું જરૂરી છે.
હાલની સ્થિતિમાં કોઇપણ વ્યકિત કોરોના પોઝિટીવ જાહેર થઇ હોય કે ન થઇ હોય પરંતુ જો કોઇપણ વ્યકિતમાં તાવ, શરદી, ઉધરસ અને ઓકિસજનની ખામી જેવી કોઇપણ તકલીફો જોવા મળે તો તે વ્યકિતએ અન્ય પરિવારજનોથી આઇસોલેટ રહેવું જરૂરી છે. હોમઆઇસોલેશન બેસ્ટ ઉપાય નથી, તેના બદલે પરિવારજનોની ચિંતા કરી લક્ષણોવાળા દર્દીઓએ કોવિડકેર સેન્ટરમાં આઇસોલેટથઇ જવું ખુબ જ જરૂરી છે. અને સરકારી અથવા ખાનગી આઇસોલેશન સેન્ટરોમાં પણ કોવિડની ગાઇડલાઇનનું કડક રીતે પાલન થાય તે જોવાની જવાબદારી સૌ આયોજકો અને દર્દીઓએ નિભાવવી જોઇએ.
કોરોનાની વર્તમાન સ્થિતિ અતિશય ગંભીર હોવાના કારણે આપણે કોઇએ કોરોનાને હળવાશથી ન લેવો જોઇએ. સૌ એ તકેદારી અને તાકિદની સારવાર મેળવવી ફરજીયાત બની ગઇ છે. ઘણાં લોકો એક-બે દિવસ તાવ જેવાં લક્ષણો પછી બીજે-ત્રીજે દિવસે આઇસોલેશનનો ભંગ કરે છે અને એમ સમજે છે કે, હજે હું સ્વસ્થ છું. મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ આ ખરૂ નથી. હાલમાં આ પ્રકારની બિમારીના કોઇ પણ લક્ષણો એક-બે કે બે-ત્રણ દિવસ રહ્યા પછી, જો સતત 72 કલાક સુધી ફરીથી કોઇ લક્ષણ ન દેખાય તો જ તે વ્યકિતએ પોતાને સ્વસ્થ સમજવી જોઇએ. ત્યાં સુધી એટલે કે, લક્ષણો જતાં રહે પછી પણ ઓછામાં ઓછી 72 કલાક સુધી વ્યકિતએ પોતાની જાતને આઇસોલેટ રાખવી અતિશય જરૂરી છે.