Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરમચ્છરોનો પીછો કરતી મહાપાલિકા !

મચ્છરોનો પીછો કરતી મહાપાલિકા !

- Advertisement -

દરવર્ષે જામનગર મહાનગરપાલિકા રાજ્યભરની મહાનગરપાલિકાઓની માફક, જૂન મહીનાને મેલેરિયા વિરોધી અથવા જાગૃતિ માસ તરીકે ઉજવે છે. અને મહાનગરોમાં મચ્છરોની ઉત્પતિને અટકાવવા પુષ્કળ કસરતો કરે છે. અને સાથે-સાથે શસ્ત્રો લઇ નીકળી પડે છે મહાનગરોની શેરીઓમાં, ઘરે-ઘરે જાય છે અને મચ્છરોને પતાવી દે છે. મહાનગરોને મચ્છરમુકત અને મેલેરિયા મુકત બનાવવા રાત-દિવસ એક કરે છે. આ મુદ્દે આપણે મહાનગરપાલિકાઓને અભિનંદન આપીએ.

જામનગરમાં મચ્છરનગર નામનો વિસ્તાર પણ છે. આ ઉપરાંત ઘણાં લોકો અને જામનગરના ઘણાં અતિથિઓ જામનગર પોતે મચ્છરનગર છે એવું માને છે. આ માન્યતા લોહીથી લથબથ છે ! કારણ કે ઘણાં બધાં લોકોનું લોહી મચ્છર પીવે છે.

મહાનગરપાલિકાને એવો વહેમ છે કે, બાર મહિના પૈકી જૂન મહિનામાં ચોમાસા પૂર્વે મેલેરિયા વિરોધી માસ ઉજવવાથી શહેર મચ્છરમુકત બની જાય છે. વહેમનું કોઇ ઓસડ નથી.

જામનગરમાં મચ્છરોની કયારેય અછત ઉભી થઇ નથી. ઘરે-ઘરે અને લગભગ તમામ વિસ્તારોમાં મચ્છરો છે. મચ્છરો વરસના 365 દિવસ ગણગણાટ કરે છે. નગરજનોનું લોહી પીવે છે. જૂન મહિનાને બાદ કરતા 11 મહિના મહાનગરપાલિકાની મેલેરિયા શાખા પોતાની અન્ય કામગીરીઓમાં વ્યસ્ત હોય છે. બધો દોષ મેલેરિયા શાખાનો નથી. અસલી ગુન્હેગાર જામનગર મહાનગરપાલિકા છે. જામનગરના લગભગ તમામ વિસ્તારોમાં કયાંક ને કયાંક તમે મચ્છર ઉત્પતિ અને સંવર્ધન કેન્દ્રો જોઇ શકો છો. શહેરમાં પુષ્કળ ખુલ્લી ગટરો છે. તુટેલી પાઇપ ગટરો છે. ચોક થયેલી ભુગર્ભ ગટરો પણ છે. ગંદી, લાંબી અને વિશાળ ખુલ્લી કેનાલો પણ છે. ઘણાં સ્થળે ગંદાપાણીના ખાબોચીયા પણ છે. આ બધી બાબતો નગરજનોને દેખાય છે. મીડિયા પણ અવારનવાર ઉહાપોહ મચાવે છે. પરંતુ કોર્પોરેશન બિંદાસ છે. તેને ખ્યાલ છે આપણો કોઇ વાળ વાંકો કરી શકે એમ નથી. અધિકારીઓ વ્યસ્ત રહે છે. પદાધિકારીઓ અધિકારીઓથી પણ વ્યસ્ત છે. નગરસેવકો કયાં હોય છે ? નગરજનોને ખબર નથી હોતી.

આ પ્રકારના કારણોને લઇ મચ્છરો નિશ્ચિંત છે. તેઓને ખ્યાલ છે કે આપણે જામનગરમાં સલામત છીએ. હાલમાં જૂન મહિનો ચાલી રહ્યો હોય, મચ્છર પુરાણનો એકાદ અઘ્યાય જાહેર થવો જરૂરી છે. એટલે ખબર ગુજરાત દ્વારા અત્રે મચ્છરપુરાણનો એક અઘ્યાય પ્રસારીત કરવામાં આવ્યો છે. મચ્છરપુરાણ બહુ મોટું છે અને સમગ્ર વરસ દરમિયાન જામનગરમાં વંચાતું રહે છે. જામનગરને મળેલું મચ્છરનગરનું ટેગ લગભગ કોઇથી અજાણ્યું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular