ગુજરાતમાં સમુદ્ના ખારા પાણીના કારણે બરબાદ થઇ ચૂકેલી અને જેમાં કોઇપણ જાતના પાક ઉગાડી શકાતા નથી તેવી ખારી જમીનને નવસાધ્ય કરવા માટે સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા બાયો ફોર્મ્યુલેશન (હોલો મિકસ) પધ્ધતિ વિકસાવવામાં આવી છે. આ પધ્ધતિના કારણે ગુજરાતની 13 લાખ હેકટર સહિત દેશની 70 લાખ હેકટર જમીનમાં કૃષિનાપાક લઇ શકાશે. લખનઉ સ્થિત આ ઇન્સ્ટીટયુટમાં છેલ્લા 6 વર્ષથી ખારી જમીનને સુધારવાના પ્રયાસ ચાલતા હતા જેને હવે સફળતા મળી છે. આ ફોર્મ્યુલાના આધારે ગુજરાતમાં જે ખારી જમીન પર કોઇપણ પાક લઇ શકાતો નથી ત્યાં હવે તમામ પાક લઇ શકતો નથી ત્યાં હવે તમામ પાક લઇ શકાશે. આ ફોર્મ્યુલાનો પ્રયોગ ઉત્તરપ્રદેશની ખારી જમીન પર કરવામાં આવ્યો છે. કૃષિ વૈજ્ઞાનિકોનું જૈવ ફોર્મ્યુલેશન હવે આખા દેશમાં અમલી બનાવશે.
માટીના ઉપયોગી જીવાણુંથી ભરેલી માત્ર 100 મિલી લીટરની નાની બોટલ એક એકર જમીનને નવસાધ્ય કરવા માટે પુરતી છે. વ્યવસાયિક ઉત્પાદન માટે આ ફોર્મ્યુલાને હૈદરાબાદ સ્થિત એક કંપનીને ટાન્સફર કરવામાં આવી છે. સોલ્ટ ટોલરન્ટ બેકટેરિયા આધારિત આ ફોર્મ્યુલાની ખોજ કરનારા વૈજ્ઞાનિકોની ટીમના સભ્ય ડો. સંજય અરોરા કહે છે કે જમીનના ક્ષાર પાકને મૂળમાંથી સૂકવી નાંખે છે ત્યારે આ ફોમ્ર્યુલા ક્ષારને પાક સુધી પહોંચવા દેતા નથી.
ગુજરાતના અમદાવાદ, મહેસાણા, આણંદ, ગાંધીનગર, ખેડા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા, ભાલકાંઠા અને નળકાંઠાના પ્રદેશમાં તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને કચ્છ જીલ્લામાં ક્ષારયુક્ત જમીન આવેલી છે. રાજ્યની ક્ષારયુક્ત જમીનમાં જો ખેતી કરવામાં આવે તો ખેડૂતોને 10,000 કરોડ રૂપિયાની ઉપજ મળી શકે તેમ છે.
રાજ્યમાં કુલ ક્ષારયુક્ત જમીન પૈકી કચ્છમાં 14 લાખ હેક્ટર, દ્વારકામાં 1.25 લાખ હેક્ટર અને જામનગરમાં 64000 હેક્ટર જમીન આવેલી છે. અત્યારે ખેતીવાડી ખાતાની ભલામણ પ્રમાણે ક્ષારયુક્ત જમીન જીપ્સમ (ચિરોડી) અને ઓર્ગેનિક સુધારાથી નવસાધ્ય કરવામાં આવે છે પરંતુ હવે આ નવી ફોમ્ર્યુલાનો અમલ શરૂ કરવાથી ગુજરાતની 13 લાખ હેક્ટર જમીનને નવસાધ્ય કરી ઇચ્છિત પાક લઇ શકાશે. જો કે આ જમીનમાં ખારાશ સહન કરનારા બેક્ટેરિયા હોવાથી ખેડૂતોએ સજીવ ખેતી કરવી પડશે.