ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના અધિકારીઓ સામે લાખ્ખોની સંખ્યામાં ભ્રષ્ટાચારના કેસો નોંધાઈ રહ્યા હોવાની નોંધ લઈને સંસદની સ્ટેન્ડિંગ સમિતિએ ચેતવણી આપી છે કે એફસીઆઇનો ભ્રષ્ટાચાર વકરીને કાબૂ બહાર જવાનો ભય સર્જાયો છે. ભ્રષ્ટાચાર ઉપર લગામ લગાવવા માટે સમિતિએ વિવિધ ઉપાય પણ સૂચવ્યા હતા. સમિતિએ જણાવ્યું હતું કે 2017-18થી 2019-20ના નાણાકીય વર્ષોમાં એફસીઆઇના અધિકારીઓ સામે સરેરાશ 700થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.
સંસદીય સમિતિએ ચેતવણી ઉચ્ચારી હતી કે જો સમયસર કડક પગલાં નહીં ભરવામાં આવે તો એફસીઆઇનો ભ્રષ્ટાચાર એવો વકરશે કે પછી કાબૂમાં જ ન લઈ શકાય. સમિતિએ ભલામણ કરી હતી કે ભ્રષ્ટાચારને લગામ નાંખવા માટે વિજિલન્સ તંત્ર કડક અને ચુસ્ત બનાવવાની જરૃર છે. જે કેન્દ્રની સાથે રાજ્યકક્ષાએ પણ કામ કરે. દરેક રાજ્યમાં અલાયદો વિજિલન્સ વિભાગ રચવાની જરૃર છે. સમિતિએ બીજું સૂચન કરતાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના દરેક કેસમાં વરિષ્ઠ અધિકારીઓને જવાબદાર ઠરાવી એમની સામે પણ શિક્ષાત્મક પગલાં ભરવાની જોગવાઈ કરવાની જરૃર છે. ત્રીજું સૂચન એવું હતું કે ખાદ્યાન્ન વિતરણ માટે કમ્પ્યૂટરાઈઝડ પારદર્શક સિસ્ટમ ઊભી કરવાની જરૃર છે. અને ચોથું સૂચન એવું હતું કે એફસીઆઇના સ્ટાફની નક્કી કરેલી સમયાવધિમાં બદલી કરવાની પરંપરા ચાલુ કરવામાં આવે.
સંસદની ખાદ્ય, ગ્રાહક સુરક્ષા અને નાગરિક વિતરણ અંગેની સ્ટેન્ડિંગ કમિટીએ લોકસભામાં મૂકેલા અહેવાલ અનુસાર એફસીઆઇના અધિકારીઓ સામે 2017-18માં 817, 2018-19માં 828, 2019-20માં 691 અને 2020-21ના સપ્ટેમ્બર સુધીમાં 406 ભ્રષ્ટાચારના કેસ નોંધાઈ ચૂક્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાયના વડપણમાં સમિતિએ ભ્રષ્ટાચારના દરેક કેસની વિગતો સાથે ચર્ચા કરી હતી. તેમાં ત્રણ એવા કેસનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં મેનેજર કક્ષા અને જનરલ મેનેજર કક્ષાના અધિકારીઓ સંડોવાયા હતા. ત્રણ કેસ સીવીસી સામે હતા અને ત્રણ કેસ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સામેના હતા.
ત્રણ વરિષ્ઠ અધિકારીઓ સામેના કેસમાંનો એક ભ્રષ્ટાચાર હરિયાણાના જનરલ મેનેજર સંબંધિત હતો. આ મેનેજર સામે કુલ પાંચ ફરિયાદ કરવામાં આવી હતી. બાકીના બે કેસ ઉદયપુરના કોર્મિશયલ મેનેજર અને એકાઉન્ટ્સ મેનેજર સામેના હતા.
અબજોની કિંમતના અનાજનો કારોબાર કરતાં નિગમમાં લાખો ભ્રષ્ટાચારીઓ !!
અધિકારીઓની જવાબદારીઓ ફિકસ કરો, કર્મચારીઓની વારંવાર બદલીઓ કરો: સંસદીય સમિતીની ભલામણ