જામનગર શહેરના વાઘેરવાડા વિસ્તારમાં રહેતાં મહિલાને તેની માસી સાસુ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી શખ્સે મહિલા સાથે ઝપાઝપી કરતાં મહિલાએ ફિનાઇલ પીધું હતું. મહિલાને છોડાવવા વચ્ચે પડેલી તેની બહેન ઉપર શખ્સે છરીનો ઘા ઝિંકી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના વાઘેરવાડા વિસ્તારમાં રહેતાં નૂરજહાંબેન ઇમરાન ભાયા (ઉ.વ.30) નામની મહિલાને ત્રણ-ચાર દિવસ પહેલાં તેમની માસી સાસુ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાનો ખાર રાખી માસી સાસુનો દીકરો અશરફ અનવર ભાયા નામના શખ્સે ગુરૂવારે સવારના સમયે મહિલાને આંતરીને ગાળો કાઢી ઝપાઝપી કરી, ઠોંસા મારી ઇજા પહોંચાડી હતી. અશરફ દ્વારા હુમલો કરાતા ડરી ગયેલી મહિલાએ થોડું ફિનાઇલ પી લીધું હતું. ત્યારબાદ મહિલાને બચાવવા વચ્ચે પડેલી તેની બહેન મેમુનાબેન ગંઢાર નામના મહિલા સાથે અશરફે બોલાચાલી કરી તેની પાસે રહેલી છરીનો ઘા ઝિંકી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા મેમુનાબેનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણના આધારે હે.કો. એમ. એમ. ગોગરા તથા સ્ટાફએ શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


