ખબર ગુજરાત દ્વારા મુરજાઈ ગયેલ ગ્રીનબેલ્ટને લઇને હાથ ધરવામાં આવેલ મુહિમ રંગ લાવી છે.આ અહેવાલ બાદ જામનગર મહાનગર પાલિકાનું તંત્ર સફાળુ જાગ્યું છે અને હવે ગ્રીનબેલ્ટ ફરીથી લીલો છમ થશે. તેવી અધિકારીઓએ ખાતરી આપી છે.
જામનગર મહાનગર પાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલો ગ્રીનબેલ્ટ જાળવણીના અભાવે મુર્જાઈ રહ્યો છે, રાજકોટ તરફ જતા માર્ગ ઉપર રાજપાર્ક નજીક ચેમ્બર ઓફ કોમર્સ અને ત્રીમંદિર વચ્ચે આવેલી જગ્યામાં વર્ષ 2019માં અહીં દબાણો હતા તે દુર કરીને જામનગર મહાનગર પાલિકા દ્વારા એક લાખ ફૂટની જગ્યામાં 3હજાર ફૂલ-છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. સારી શરૂઆત બાદ 2 વર્ષની અંદર જ આ ગ્રીનબેલ્ટ પ્રોજેક્ટના હાલ બેહાલ થઇ ગયા છે.અહીં 1 વર્ષ સુધી જામનગરની ગાર્ડન શાખાના અધિકારી અને કર્મચારીઓએ મહેનત કરી અને બાદમાં આ પ્રોજેક્ટ નીખરવાને બદલે વિખેરાઈ રહ્યો છે.
“ખબર ગુજરાત” દ્રારા મુરજાઈ રહેલ ગ્રીન બેલ્ટને લઇને સીટી ઈજનેર શૈલેષ જોશીનું ધ્યાન દોરવામાં આવ્યું તે દરમિયાન તેઓએ ગણતરીના દિવસોમાં જ ગ્રીનબેલ્ટને ફરીથી હરિયાળો કરવાની બાહેંધરી આપી છે. હવે આ કાર્ય ક્યાં સુધીમાં થાય છે તે જોવાનું રહ્યું.
જામનગર મહાનગર પાલિકાના ગાર્ડન વિભાગના મકવાણાભાઈ કે જેઓએ આ પ્રોજેક્ટ વિકસાવ્યો હતો “ખબર ગુજરાત” દ્વારા તેમનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓએ જણાવ્યું કે હવે તો અમે આ પ્રોજેક્ટનું સંચાલન એન્જીનીયર હિતેષભાઈ પાઠક ને સોંપી દીધું છે. આ પ્રોજેક્ટને લઇને તેનો સંપર્ક કરો.
બાદમાં ઈજનેર હિતેશભાઈ પાઠકએ એવું જણાવ્યું કે આ વાત સાચી નથી મને આ પ્રોજેક્ટ અંગે ખ્યાલ જ નથી અને તેની જવાબદારી પણ મને સોંપવામાં આવી નથી. અને બાદમાં સીટી ઇજનેર શૈલેશ જોશી દ્વારા ખબર ગુજરાતને બાહેંધરી આપવામાં આવી છે કે અહીં ફૂલછોડની જાળવણીનું કાર્ય ફરીથી શરુ થશે. અને ગ્રીનબેલ્ટ હરિયાળો થઇ જશે.
અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને ગ્રીનબેલ્ટનું સંચાલન ચેમ્બર ઓફ કોમર્સને સોંપવામાં આવ્યું હતું. પરંતુ તેઓએ મહાનગર પાલિકાને પત્ર લખીને જણાવ્યું છે કે અહીં ઇન્કમ ટેક્સની ઓફિસો બનતી હોય અને તેનો રસ્તો પણ અહી છે. માટે અમારા દ્વારા આ પ્રોજેક્ટનું સંચાલન થઇ શકશે નહી અને અમે તેની જવાબદારી ગાર્ડનશાખાને પરત સોંપી રહ્યા છીએ. તેવું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બીપેન્દ્રસિંહે જણાવ્યું હતું.